રાજકોટની જૂની કલેક્ટર કચેરીએ આવેલી પ્રાંત કચેરીમાં નકલી IAS અધિકારી બનીને રોફ જમાવવાનો અને સરકારી સુવિધાઓ હડપવાનો પ્રયાસ કરનાર એક ગઠિયો સામે આવ્યો છે. પ્રાંત અધિકારીની સમયસૂચકતા અને સચોટ પૂછપરછના કારણે નકલી અધિકારીની પોલ ખુલી ગઈ હતી. શરૂઆતમાં મહારાષ્ટ્રમાં 2023ની બેન્ચના આઈએએસ હોવાની ઓળખ આપતો આ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હોવાની હકીકત જણાવતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સગર્ભા પત્ની સાથે રાજકોટ આવ્યો હોવાનું કહ્યું રાજકોટની સિટી-1 પ્રાંત ઓફિસ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રાંત અધિકારી અતુલસિંહને એક મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ 2023ની બેન્ચના IAS અધિકારી તરીકે આપી હતી અને પોતાની સગર્ભા પત્ની સાથે રાજકોટ આવ્યા હોવાથી સરકારી ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવા જણાવ્યું હતું.
શંકા જતા રૂબરૂ મળવા બોલાવ્યો પ્રાંત અધિકારીને શંકા જતાં તે નંબર પર નાયબ મામલતદાર યોગીરાજસિંહ પાસે ફોન કરાવી પૂછપરછ કરાવી હતી. પરંતુ ફોન પર વાત કરનાર વ્યક્તિ હોદ્દા કે પોસ્ટીંગ અંગે કોઈ સંતોષકારક કે સ્પષ્ટ જવાબ આપી શક્યો નહોતો. જેથી તે વ્યક્તિની વર્તણૂક શંકાસ્પદ જણાતાં પ્રાંત અધિકારીએ તેને સાંજે 7.30 વાગ્યે રૂબરૂ કચેરીએ મળવા બોલાવ્યો હતો. કચેરીએ આવીને તેણે પોતાનું નામ રાહુલસિંહ (IAS, 2023 બેન્ચ-મહારાષ્ટ્ર કેડર) બતાવ્યું હતું.

