જામનગરના જલાની જાર ચોકમાં 323 વર્ષ જૂની પુરુષોની ગરબીમાં નવરાત્રિના સાતમા નોરતે ‘ઈશ્વર-વિવાહ’ અને ‘હીંચોળિયા’નું આયોજન થયું. શિવભક્તોએ પીતાંબર પહેરી ઢોલ-નગારાના તાલે ભોળાનાથના લગ્નના પ્રસંગો ગાયા.
આ પરંપરા ગાયકવાડ કાળથી ચાલી આવે છે. તે સમયના ગૃહસ્થ છત્રભુજભાઈ બાજરીયાએ આ ગરબી શરૂ કરી હોવાનું મનાય છે. આ ગરબીમાં 5 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલો ઉત્સાહથી જોડાય છે.

ગરબીની ખાસ વાત એ છે કે સાતમા નોરતે મધરાત બાદ માત્ર પુરુષો કવિ દેલીદાસકૃત ‘ઈશ્વર-વિવાહ’નું ગાન કરે છે. મોડી રાત્રે 12:30થી 3:30 વાગ્યા સુધી કોઈ ઇલેક્ટ્રોનિક વાજિંત્ર વગર, માત્ર ઢોલ-નગારાના તાલે હીંચોળિયા રમાય છે.
આ પરંપરા જોવા સ્થાનિક લોકો ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. નવમા નોરતે કનકાઈ માતાના ગરબા અને ભક્તિગીતો ગાવાની પણ અહીં પરંપરા છે.
”અમારા ગરબી મંડળમાં લગભગ ત્રણથી ચાર સદીથી—ગાયકવાડના સમયથી ગરબી રમાય છે. અહીં 5 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલો સૌ સાથે મળીને ગરબી રમે છે. પ્રથમ નોરતે માતાજીની સ્થાપના બાદ સાતમના દિવસે ખાસ હીંચોળિયાનું આયોજન થાય છે, જેમાં શિવ અને પાર્વતીના વિવાહનો આખો પ્રસંગ આવરી લેવાય છે. કોઈપણ જાતના આધુનિક વાજિંત્રો વગર, માત્ર માઈક અને ઢોલ-નગારાના તાલે મોડી રાત્રે દોઢથી સાડા ત્રણ વાગ્યા સુધી આખી હીંચોળિયા રમવામાં આવે છે.”

