જૂનાગઢ જિલ્લામાં દારૂનો વેપલો ફેલાય તે પહેલા જ જૂનાગઢ રેન્જ પોલીસે દારૂના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ ઝડપી લીધો છે. જૂનાગઢ રેન્જના પી.આઈ. વાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જી.ચુડાસમા અને ટીમ કેશોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કેશોદનો રાહુલ રાજશીભાઇ ઓડેદરા પોતાની સફેદ કલરની કારમાં અજાબ અને કરેણીગામ તરફથી કેશોદ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે કાર રોકીને તપાસ કરતા કારની ડેકી, સીટો વચ્ચે તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ કેસમાં દારૂની હેરાફેરી કરનાર, દારૂ આપનાર અને મંગાવનાર સહિત કુલ 3 આરોપીઓ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પકડાયેલા આરોપી રાહુલ રાજશીભાઇ ઓડેદરાની ઉંમર 33 વર્ષ છે અને તે ચૂનાભઠી, રામદેવપીર મંદિર રોડ, કેશોદ ખાતે રહે છે. જ્યારે પોલીસના હાથે નહીં લાગેલા અન્ય આરોપીઓમાં રવીરાજ બાઘુભાઇ વેગડ (રહે. બિલખા) અને દેવાયતભાઇ સુમાતભાઇ વાળા (રહે. ગાંધીનગર સોસાયટી, કેશોદ) નો સમાવેશ થાય છે.

