જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે તાપમાન 39 ડીગ્રીને પાર થઈ ગયા બાદ શનિવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને તે સાથે અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. શુક્રવારે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીને 24 ડિગ્રીએ અને મહત્તમ તાપમાન પણ વધીને 39.1 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે પડોશી જિલ્લા પોરબંદરમાં ગાજવીજ સાથે માવઠુ થયુ હતુ.
રોજીવાડા, સોઢાણા અને સીમરમાં 1થી 2 ઇંચ સુધી વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં રાત્રિના એકંદરે ગરમીથી રાહત રહ્યા બાદ શનિવારની સવારે હવામાનમાં પલટો આવવાની સાથે લઘુતમ તાપમાન ઘટીને 22.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 78 ટકા થઈ જતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા.
જેના પરિણામે ખેડૂતો સહિતના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. બપોરના સમયે મહત્તમ તાપમાન આંશિક રીતે ઘટીને 38.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 24% રહેતા બફારો અને ઉકળાટ વધતા લોકો પરેશાન થઈ ગયા હતા. દિવસ દરમ્યાન પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 3.8 કિલોમીટરે પહોંચી ગઈ હતી.

