Gujarat

વિરમગામમાં ઓમ કલામંદિર દ્વારા 19 વર્ષથી બાળ ગરબા મહોત્સવ

વિરમગામના ઓમ કલામંદિર દ્વારા છેલ્લા 19 વર્ષથી બાળ ગરબા મહોત્સવનું આયોજન થાય છે. આ મહોત્સવમાં 5 થી 15 વર્ષ સુધીની વયના આશરે 1500 જેટલા બાળકો માતાજીના ગરબે રમે છે.

બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે ગરબાનો સમય રાત્રે 9:00 થી 11:00 વાગ્યાનો રાખવામાં આવે છે. જેથી બાળકો ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત રહે અને તેમનો અભ્યાસ ન બગડે. અહીં દરરોજ બાળકોને લાણીનું વિતરણ કરવામાં આવે છે.

મહોત્સવ દરમિયાન આઠમના દિવસે બાળકો વિવિધ વેશભૂષા પહેરીને ગરબે ઘૂમે છે. જ્યારે નોમના દિવસે ગરબા રમવા આવતી દીકરીઓનું વિશેષ પૂજન કરવામાં આવે છે.

મહોત્સવને સફળ બનાવવા અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપભાઈ ડોડીયા, ઓમ કલામંદિરના પ્રમુખ રાજુભાઈ દવે, હસમુખભાઈ પટેલ, અરવિંદભાઈ મિસ્ત્રી તેમજ અન્ય 25 સ્વયંસેવકો પોતાના પરિવાર સાથે નિસ્વાર્થ સેવા આપે છે.