સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવાની હરીફાઈમાં પ્રવર્તમાન એસઓઆર કરતાં અત્યંત નીચા ભાવે ટેન્ડર ભરવાની પ્રથા સામે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. લોએસ્ટ રેટના આધારે કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ કામની ગુણવત્તા સાથે બાંધછોડ થવી, કામગીરીમાં વિલંબ થવો તેમજ કેટલાક કિસ્સામાં એજન્સીઓ કામ અધૂરું છોડીને જતી રહેવા જેવી ગંભીર સમસ્યાઓને ધ્યાને રાખીને નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે. આ નીતિના પ્રારંભિક અમલરૂપે શનિવારે મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં અંદાજિત ખર્ચ કરતાં 30 ટકાથી વધુ નીચા ભાવે ભરાયેલાં કુલ રૂ. 12,30,77,585ના 28 કામોને રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે આ તમામ કામોમાં નવી શરતોનો સમાવેશ કરીને ફરીથી ટેન્ડર મંગાવવામાં આવશે.
નીચા ભાવના ટેન્ડરમાં કામની ગુણવત્તાને લઈ સવાલો મનપામાં ઇજારો મેળવવા કેટલાક કોન્ટ્રાક્ટરો અંદાજિત ખર્ચ કરતાં અસામાન્ય રીતે નીચા ભાવની ઓફર મૂકતા હતા, જેના કારણે કામની ગુણવત્તા, ટેકનિકલ ક્ષમતા અને સમયસર કામ પૂર્ણ કરવા સામે સવાલો ઊભા થતા હતા. આ પરિસ્થિતિને રોકવા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ રાજન પટેલે મનપા કમિશનરનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે માર્ગ અને મકાન વિભાગના પરિપત્રનો તાત્કાલિક અસરથી અમલ કરવા તાકીદ કરાઈ છે.
30 ટકાથી વધુ નીચા ભાવના 28 કામો દફતરે કરાયા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું કે, સુરત મનપા દ્વારા હાથ ધરાતા વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે સર્વોપરી છે. ટેન્ડરરો દ્વારા એવા નીચા ભાવ ભરવામાં આવતા હતા જે વર્કેબલ હોતા નથી અને કામની ક્વોલિટી બગડે છે. આથી 30 ટકાથી વધુ બિલો રકમવાળા અંદાજે 28 કામો દફતરે કરાયા છે. આ ઉપરાંત જે કામોમાં અગાઉ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે તેવા ટેન્ડરો પણ રદ કરી નવેસરથી મંગાવવા સૂચના આપવામાં આવી છે.

