જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉકાઈ-કાકરાપાર યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને મોહનભાઈ ધોડિયા પણ જોડાયા હતા.
ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે પાણીની સ્થિતિને ધ્યાને રાખી આગામી રવિ, ખરીફ અને ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે પાણી આપવાના રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા. મંત્રીએ વૈશ્વિક વિષમ પરિસ્થિતિઓને ધ્યાને રાખી પાણીનો બિનજરૂરી વેડફાટ અટકાવવા, વહેતા પાણીનો સંચય કરવા અને વરસાદી પાણીનો સંગ્રહ વધારી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં નવસારી અને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખો, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર એસ.બી. દેશમુખ, ઉકાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર એ.આર. પટેલ, સિંચાઈ મંડળીઓના પ્રમુખો, ઉકાઈ સિંચાઈ ફેડરેશનના હોદ્દેદારો તેમજ વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 2026-27ના વર્ષમાં કાકરાપાર અને ઉકાઈ યોજના હેઠળ રવિ સિઝનમાં 1,56,900 હેક્ટર તથા ઉનાળામાં 1,55,900 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ પૂરી પાડવાનું આયોજન ઘડાયું છે.

