જહાંગીરપુરા સાયણ-હજીરા રિંગરોડ પર ચામુંડાનગર કેનાલ નજીક નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર ગત 16 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રિના આશરે 3 વાગ્યે ટ્રકોમાંથી માટી ખાલી કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક સ્પ્લેન્ડર મોટરસાયકલ પર 3 અજાણ્યા હથિયારધારી લૂંટારૂઓ ધસી આવ્યા હતા.
આરોપીઓએ ટ્રક ડ્રાઇવર ફારૂકભાઇને ચપ્પુ બતાવી તેમના પર્સમાંથી રોકડા ₹500 લૂંટી લીધા હતા. ત્યારબાદ ટ્રક નીચે હાજર ઉમેશભાઇને ચપ્પુ બતાવી ખિસ્સામાંથી રોકડા ₹6,000, અસલ ઓળખપત્રો, એટીએમ કાર્ડ અને મોટરસાયકલ નંબર GJ-05-PK-9794 ની આરસી બુક સહિતનું પર્સ બળજબરીથી આંચકી લીધું હતું. ઉમેશભાઇએ પ્રતિકાર કરતાં આરોપીઓએ તેમના ડાબા હાથની હથેળીમાં ચપ્પુનો ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી અને ત્રણેય બાઇક પર ફરાર થઈ ગયા હતા.
રોકડા ન મળ્યા તો ડ્રાઇવર પાસેથી ઓનલાઇન ₹4,000 ટ્રાન્સફર કરાવ્યા આ રીઢા ગુનેગારોએ માત્ર રોકડની લૂંટ કરીને સંતોષ માન્યો નહોતો, પરંતુ ગુનાખોરીની મોડસ ઓપરેન્ડીને વધુ ક્રૂર બનાવી હતી. ઘટનાસ્થળથી થોડે આગળ વધી આ લૂંટારૂ ત્રિપુટીએ અન્ય એક ટ્રક ચાલકને રસ્તા વચ્ચે આંતરી ચપ્પુની અણીએ પૈસાની માગણી કરી હતી.
જોકે તે ડ્રાઇવર પાસે રોકડા રૂપિયા ન હોવાથી લૂંટારૂઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ઓનલાઇન ટ્રાન્સફર મારફતે ₹4,000 પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 309-4, 309-6, 311, 3-5 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 135-1 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

