સુરત શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તા વગરની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે અવારનવાર ફરિયાદો ઊઠતી રહે છે, ત્યારે સુરતના વરાછા સ્થિત હીરાબાગ વિસ્તારમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હીરાબાગ સર્કલ પાસે આવેલી જાણીતી શ્રીનાથજી આઈસ્ક્રીમની દુકાનમાંથી ગ્રાહકને પીરસવામાં આવેલા ફ્રૂટ સલાડમાંથી દુર્ગંધ અને ખરાબ ગુણવત્તા સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે.
ગ્રાહકે ફ્રૂટ સલાડનો વીડિયો બનાવી વાઈરલ કર્યો દુકાને ગયેલા એક જાગૃત ગ્રાહકે જ્યારે ફ્રૂટ સલાડનો ઓર્ડર આપ્યો, ત્યારે તેમાં વપરાયેલી સામગ્રી વાસી અને ખાવાલાયક ન હોવાનું ધ્યાને આવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનું જણાતા ગ્રાહકે તરત જ તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં ફ્રૂટ સલાડની ગુણવત્તા ખરાબ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ગ્રાહકે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ તે જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. સામાન્ય નાગરિકોમાં પણ આવા બેદરકાર વેપારીઓ સામે કડક પગલાં લેવાની માગ ઉઠી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. મનપાની ફૂડ સેફ્ટી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હીરાબાગ સર્કલ સ્થિત શ્રીનાથજી આઈસ્ક્રીમ શોપ પર દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર ઉપલબ્ધ ખાદ્યસામગ્રી અને સ્વચ્છતાની સઘન ચકાસણી હાથ ધરી હતી.

