Entertainment

દલેર મહેંદી વિવાદ: અનુપમ ખેર અને રાજપાલ યાદવે ગાયકનું સમર્થન કરતા; ‘જાહેરમાં અપમાન‘ અંગે સવાલો ઉઠાવ્યા

બોલિવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેર અને અભિનેતા રાજપાલ યાદવ હવે દલેર મહેંદીના પક્ષમાં આવ્યા છે. આ સમર્થન તેમના એક કાર્યક્રમ દરમિયાન સર્જાયેલા વિવાદના પગલે આવ્યું છે. આ ઘટના નવી ટેહરીમાં આયોજિત ‘સિદ્ધપીઠ મા કુંજાપુરી પ્રવાસન અને વિકાસ મેળા‘માં બની હતી, જ્યાં મંત્રી સુબોધ ઉનિયાલે ગાયક (દલેર મહેંદી)ને વચ્ચે અટકાવીને તેમના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા હતા. બંને અભિનેતાઓએ મંચ પર મંત્રી દ્વારા દલેર મહેંદી સાથે જે રીતે વાત કરવામાં આવી તેના પર નારાજગી વ્યક્ત કરી છે અને જાહેરમાં તેમના અપમાન અંગે ચિંતા દર્શાવી છે.

અનુપમ ખેર અને રાજપાલ યાદવ દલેર મહેંદીના સમર્થનમાં આવ્યા

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે મંચ પર દલેર મહેંદીનો જાહેરમાં સામનો કરવાના મંત્રીના ર્નિણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ગાયકના પ્રદર્શન અંગેની કોઈપણ ચિંતા ખાનગીમાં અને આદરપૂર્વક વ્યક્ત કરી શકાઈ હોત. તેમણે ‘ઠ‘ (ટ્વિટર) પર હિન્દીમાં લખ્યું, જેનો ભાવાર્થ કંઈક આવો થાય છે: “મેં એક વીડિયો જાેયો જેમાં એક મંત્રી મંચ પર દલેર મહેંદીજી સાથે એવી રીતે વાત કરી રહ્યા હતા કે મને ખૂબ દુ:ખ થયું. હું દલેરજીને ઘણા વર્ષોથી ઓળખું છું. મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય સારું નથી. મંત્રીજી, કદાચ તમને તેમના પ્રદર્શન અંગે કોઈ ફરિયાદ હોય અથવા તમે તેમનાથી નારાજ હોવ, પરંતુ શું મંચ પર જઈને બધાની સામે તેમનું અપમાન કરવું જરૂરી હતું? શું આ જ વાત તેમને ખાનગીમાં આદરપૂર્વક ન કહી શકાઈ હોત? એક કલાકાર પોતાની મહેનતથી જે ઓળખ અને સન્માન મેળવે છે, તે કમાવવામાં તેનું આખું જીવન નીકળી જાય છે.” જુઓ અહીં:

દરમિયાન, રાજપાલ યાદવે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ વિવાદ પર પોતાની વાત રજૂ કરી. તેમણે લખ્યું, “કલાકારનું અપમાન એટલે કલાનું અપમાન. કલાનું પોતાનું એક કદ (મહત્વ) હોય છે, અને આ કદને ક્યારેય પૈસાથી તોલી શકાતું નથી.”

આ પહેલા મંગળવારે, દલેર મહેંદીના ભાઈ મીકા સિંહે પણ તેમના સમર્થનમાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે એ આરોપોને ફગાવી દીધા હતા કે દલેર મહેંદી તેમના પ્રદર્શન દરમિયાન નશામાં હતા. બાદમાં, હાસ્ય કલાકાર કપિલ શર્માએ પણ તે વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ફરીથી શેર કર્યો અને ગાયક માટે એક ભાવુક સંદેશ લખ્યો. તેમણે એ પણ જણાવ્યું કે ગાયકની તાજેતરમાં જ એક મોટી સર્જરી થઈ છે. તેમણે લોકોને અન્ય વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાની અપીલ કરી, કારણ કે કદાચ આપણને ખ્યાલ ન હોય કે કોઈ વ્યક્તિ તેના અંગત જીવનમાં કેવા પડકારોનો સામનો કરી રહી છે.

બાદશાહ, હર્ષદીપ કૌર, પલાશ સેન અને શાન સહિત અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પર દલેર મહેંદીના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.

દલેર મહેંદી વિવાદ: ઉત્તરાખંડના કાર્યક્રમમાં શું બન્યું હતું?

જેમને જાણ નથી તેમના માટે, કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર નગરના ધારાસભ્ય સુબોધ ઉનિયાલે ગાયકના પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી હતી અને મંચ પર જઈને તેમને અટકાવ્યા હતા. ધારાસભ્યે અપેક્ષા મુજબ ગાઈ ન શકવા બદલ દલેર મહેંદીને ઠપકો આપ્યો હતો, અને આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.