ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાયેલી પાંચ મેચોની T20I શ્રેણીની શરૂઆતી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું છે. શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે માત્ર પાંચ દિવસ પહેલા જ બેંગલુરુમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમી હતી અને તે પછી તરત જ ન્યૂઝીલેન્ડ પહોંચીને વધુ એક મેચ રમી લીધી છે. પ્રવાસ કરનારી ભારતીય ટીમને ‘જેટ લેગ‘ (લાંબી મુસાફરીને કારણે થતો થાક) નડશે તેવી શક્યતા હતી, પરંતુ શ્રેયસ અય્યરની ટીમે આ તમામ મુશ્કેલીઓને બાજુ પર મૂકીને ફરી એકવાર શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું.
આ મેચમાં ભુવનેશ્વર કુમારનું પણ પુનરાગમન થયું. તે બેંગલુરુમાં વરસાદને કારણે ધોવાઈ ગયેલી ્૨૦ૈં મેચમાં પણ ટીમનો ભાગ હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝને બેટિંગ કરવાની તક ન મળવાથી તેને બોલિંગ કરવાની તક મળી ન હતી. તેથી, ક્રાઇસ્ટચર્ચની આ મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર વર્ષ બાદ તેની બોલિંગમાં વાપસી સાબિત થઈ. તેણે શરૂઆતમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને પોતાની પ્રથમ ઓવરમાં માત્ર ચાર રન આપ્યા, પરંતુ જેમ જેમ રમત આગળ વધી, તેમ તેમ આ અનુભવી બોલર પોતાની લય જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો.
એકંદરે, ભારત પાસેથી વધુ સારી બોલિંગ અને ફિલ્ડિંગની અપેક્ષા હતી. બોલરો માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં – અથવા ઓછામાં ઓછું ભારતમાં સામાન્ય રીતે જાેવા મળતી પરિસ્થિતિઓ કરતાં ઘણી સારી હોવા છતાં – તેમણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રન બનાવવાની તક આપી દીધી. ભારતના પાંચેય બોલરોએ પ્રતિ ઓવર સરેરાશ ૧૦ કે તેથી વધુ રન આપ્યા, જેના પરિણામે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં ૨૨૫ રનનો સ્કોર ખડક્યો. હેગલી ઓવલ ખાતે ્૨૦ૈં મેચમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકબ્સ અને ફિન એલન ન્યૂઝીલેન્ડ માટે મહત્વના ખેલાડી સાબિત થયા અને તેમણે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. ફિલિપ્સે ૪૦ બોલમાં અણનમ ૮૨ રન બનાવ્યા, જ્યારે જેકબ્સે ૧૬ બોલમાં અણનમ ૩૧ રન અને એલને ૨૪ બોલમાં ૪૫ રનનું યોગદાન આપ્યું.
સંજુ અને અભિષેકે ભારતને આપી શાનદાર શરૂઆત
૨૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારત પર દબાણ આવવાની શક્યતા હતી, પરંતુ સંજુ સેમસન અને અભિષેક શર્માએ ટીમને એકદમ શાનદાર શરૂઆત અપાવી. તેમણે પાવરપ્લે દરમિયાન ૯૩ રનની મજબૂત ભાગીદારી નોંધાવી, જેનાથી ભારતને મેચમાં ગતિ (મોમેન્ટમ) મેળવવામાં મદદ મળી. અભિષેક ૧૨ બોલમાં ૨૯ રન બનાવીને આઉટ થયા પછી, સેમસને રન બનાવવાની ગતિ જાળવી રાખી, પરંતુ બીજા છેડેથી તેમને બહુ ઓછો સહયોગ મળ્યો.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્મા ખાસ પ્રભાવ પાડી શક્યા નહીં, જેના કારણે સેમસન પર દબાણ વધ્યું. પરિણામે, સેમસન ૩૩ બોલમાં ૬૭ રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યારબાદ, ભારતે તિલક અને ઈશાન કિશનની વિકેટો ઝડપથી ગુમાવી દીધી. હવે જવાબદારી શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ પર આવી પડી, જેમણે ૪૫ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. આ ભાગીદારીને કારણે ભારત મેચમાં વાપસી કરવામાં સફળ રહ્યું.
અક્ષર ૨૪ રન બનાવીને આઉટ થયા, જ્યારે શ્રેયસે રન બનાવવાનું ચાલુ રાખ્યું. જાેકે, ૪૨ રનના વ્યક્તિગત સ્કોર પર તેઓ પણ આઉટ થઈ ગયા, તે સમયે ભારતને જીતવા માટે ૧૧ બોલમાં ૧૬ રનની જરૂર હતી. ત્યારબાદ, નમન ધીરે ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે ૧૫ બોલમાં અણનમ ૪૨ રન બનાવ્યા, જેણે મેચના અંતિમ તબક્કે ન્યૂઝીલેન્ડની તરફેણમાં વળેલી બાજીને ભારતની તરફેણમાં ફેરવવામાં નિર્ણાયક યોગદાન આપ્યું.

