Gujarat

વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા વેપારીને દુબઈમાં સફળ પ્રોજેક્ટ અને ગુજરાત સરકારમાં પ્રોજેક્ટના કામ કરવાના હોવાનો દાવો કરી IT કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપીને 1.07 કરોડ પડાવી લીધા હતા. જ્યારે અન્ય બનાવમાં વટવામાં કેમિકલના વેપારી પાસેથી કેમિકલ ખરીદી અને તેની ડાઇન બનાવીને બજારમાં વેચ્યા બાદ 18.03 કરોડ ચૂકવ્યા ન હતા. જેને લઈને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં વેપારીઓ સાથે દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. વેપાર ધંધો કરવા નફાની લાલચ અને ઉધારમાં માલ લઇ અને બાદમાં ચેક આપીને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરવામાં આવે છે. વેપારીઓ સાથે છેતરપિંડીની અલગ અલગ ત્રણ ઘટના સામે આવી છે.

આઈટી કંપનીમાં રોકાણ કરવા લાલચ આપી વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા 43 વર્ષીય તેજસ મગન પટેલને વર્ષ 2018-2019માં એક જીમમાં મયુર પ્રમોદસિંગ રાજપૂત અને માધવ પ્રમોદસિંગ રાજપૂત સાથે મુલાકાત થઈ હતી. તેઓએ નાના નાણાકીય વ્યવહારો કરી તેમનો વિશ્વાસ જીત્યો હતો.

જાન્યુઆરી 2025માં માધવ દુબઈથી પરત આવ્યો અને તેણે ફરિયાદીને વિદ્યાસેતુ પ્રા.લી.નામની આઈટી કંપનીમાં રોકાણ કરવા જણાવ્યું હતું. જેની વેલ્યુ ટૂંક સમયમાં 140 કરોડ રૂપિયા થવાનું હોવાની લાલચ આપી હતી. AI સોફ્ટવેર અને દુબઈમાં સફળ પ્રોજેક્ટ્સ ચાલતા હોવાનું કહી તેમજ પોતાની ઓફિસ બતાવી રોકાણ કરવા માટે લાલચ આપી હતી.