અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાંગોદર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપની 600 બોટલ સાથે ત્રણ આરોપીને પકડ્યા છે. પોલીસે કુલ ₹3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ANW ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
એક મારુતિ સુઝુકી ઇકો કારમાંથી 480 બોટલ મળી. વધુ તપાસમાં ડરણ ગામના કિરણભાઈ ચૌહાણના ઘરેથી 120 બોટલ મળી, કુલ 600 બોટલ જપ્ત કરાઈ. FSL તપાસમાં કફ સિરપ NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું જણાયું. પોલીસે અરબાઝખાન પઠાણ (મકરબા), રમઝાનશા ફકીર (ધોળકા) અને કિરણભાઈ ચૌહાણ (ડરણ ગામ)ની ધરપકડ કરી છે.
તેમની પાસેથી ₹99,000ની કફ સિરપની બોટલો, ₹20,000ના ચાર મોબાઈલ ફોન અને ₹2 લાખની ઇકો કાર મળી કુલ ₹3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 21(સી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

