Gujarat

‘બીજાની રાહ જોવાનું છોડો, મગજમાંથી ડર કાઢો’

સુરત ડાયમંડ બુર્સ (SDB)ને સંપૂર્ણ ક્ષમતાથી ધમધમતું કરવા માટે હવે મેનેજમેન્ટ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થયાને સમય વીતી ગયો હોવા છતાં હજુ ધારી સફળતા મળી નથી. તેને જોતાં હવે SDBના ચેરમેન ગોવિંદ ધોળકિયા અને વાઇસ ચેરમેન લાલજી પટેલે વેપારીઓને ઓફિસો શરૂ કરવા અપીલ કરી છે. ગોવિંદ કાકાએ સભ્યોને એક લાગણીસભર પત્ર લખ્યા બાદ, લાલજી પટેલે પણ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, આ બુર્સને સફળ બનાવવાની જવાબદારી દરેક સભ્યની છે અને સૌએ પોતાના ધંધાના વિકાસ માટે સ્વયંભૂ આગળ આવવું પડશે.

‘આ કોઈ એક વ્યક્તિનું નહીં, 4500 વેપારીઓનું સપનું છે’ SDBના વાઇસ ચેરમેન લાલજી પટેલે કહ્યું હતું કે, સુરતડાયમંડ બુર્સ ચાલુ કરવામાં કોઈ એક વ્યક્તિનું સપનું નથી. ડાયમંડ બુર્સ 4,500 જે અમારા વેપારી મિત્રો છે, એ તમામનું સપનું છે. સાકાર કરવા માટે તમામ સભ્યોએ પોતાનો કારોબાર વધારવા પોતે જ સજાગ થવું જોશે. કોઈ એમ ધારે કે ઓલો ચાલુ કરે પછી મારી ઓફિસ ચાલુ કરું, તો ખરેખર એ પ્રમાણે ઓફિસ ચાલુ ન થાય. 4500માંથી હાલ 300થી વધુ ઓફિસો ચાલી રહી છે, પરંતુ લક્ષ્યાંક સુધી પહોંચવા વ્યક્તિગત જાગૃતિ જરૂરી છે.

‘મારો માલ વેચાશે કે નહીં, એ ડર ખરેખર મગજમાંથી કાઢી નાખવો પડે’ લાલજી પટેલે વેપારીઓનો ડર દૂર કરતા જણાવ્યું હતું કે, ઘણા વેપારીઓ એ વિચારીને ઓફિસ શરૂ નથી કરી રહ્યા કે મારો માલ વેચાશે કે નહીં અને જો ધંધો ન ચાલે તો ફરી પાછું ઓફિસ બદલવી પડશે. આ ડરને રદિયો આપતા લાલજીભાઈએ કહ્યું કે, “ખરેખર બધાને ડર છે કે હું ત્યાં જઈશ તો મારો માલ વેચાશે કે નહીં વેચાય, એ ડર ખરેખર મગજમાંથી કાઢી નાખવો પડે. આજની તારીખમાં 300 થી વધુ ઓફિસો ચાલુ છે અને અમારી પાસે કોઈપણ જાતની નાની કે મોટી ફરિયાદ છે જ નહીં. કોઈ માલ લેવામાં જરાય પણ તકલીફ પડતી નથી અને દલાલો પણ પૂરા આવે છે.”