બાંટવા નગરમાં સિંધી સમાજની આસ્થાના પ્રતીક ‘શ્રી ઝૂલેલાલ ધામ’ નિર્માણની શરૂઆત ભક્તિભાવથી થઈ છે. શ્રી ઝૂલેલાલ ધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભૂમિપૂજન કાર્યક્રમમાં સંતો, શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આ પ્રસંગે ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબ (સાંઈ ભરૂચવાળા) ખાસ હાજર રહ્યા હતા. તેમની હાજરી અને આશીર્વાદથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિપૂજનની તમામ વિધિઓ પૂરી કરાઈ. સંતોએ આ ધામ ભવિષ્યમાં આધ્યાત્મિક કેન્દ્ર બનશે તેવા આશીર્વાદ આપ્યા.
શ્રી ઝૂલેલાલ ધામ સિંધી સમાજની સંસ્કૃતિ, આસ્થા અને એકતાનું કેન્દ્ર બનશે. યુવા પેઢી પોતાના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી રહે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. લગભગ ૪ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ ધામ માટે ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતા અને દાતાઓને સહયોગ આપવા અપીલ કરાઈ.

ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ મોહનદાસ લાલવાણી અને ટ્રસ્ટી મંડળે કાર્યક્રમમાં સહયોગ આપનાર સંતો, મહાનુભાવો, કાર્યકરો અને ભક્તજનોનો આભાર માન્યો હતો.

