જૂનાગઢ આરટીઓ કચેરીમાં સોમવારે અઠવાડિયાના પ્રથમ દિવસે જ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અચાનક ખોરવાઈ જતાં અરજદારોને મુશ્કેલીમાં મુકાયા હતા, નેટવર્ક વગર સિસ્ટમ બંધ થઈ જવાથી લાયસન્સ અને અન્ય કામ માટે આવેલા નાગરિકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
આરટીઓ અધિકારી એફ.યુ. જાખરાએ જણાવ્યું હતું કે, કચેરી દ્વારા 10:00 વાગ્યાથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ અચાનક ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ થવાથી કામ થોડા સમય માટે અટકી ગયું હતું, જેને કારણે અરજદારો હેરાન થયા હતા. જોકે, થોડા સમય બાદ કનેક્ટિવિટી રાબેતા મુજબ થતાં ફરીથી તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
વધુમાં, અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ડ્રાઇવિંગ ટેસ્ટના દૈનિક ક્વોટામાં વધારો કરવામાં આવ્યો છે. સાથોસાથ, આધુનિક એઆઈ ટ્રેક કાર્યરત થઈ જવાથી મોટાભાગના અરજદારો ટેસ્ટમાં નાપાસ થવાનો રેશિયો વધ્યો છે, જેના કારણે પણ કચેરીમાં અરજદારોની સતત ભીડ જોવા મળે છે.

