સુરતના પુણા વિસ્તારમાં સીતારામ સોસાયટી વિભાગ-1માં જુલાઈ 2023 દરમિયાન એક યુવકનું મોત થયાની ઘટના બની હતી. આરોપ મુજબ રાત્રિના સમયે 35થી 40 વર્ષીય એક અજાણ્યો યુવક સોસાયટીમાં મકાનોના દરવાજા ખખડાવી રહ્યો હતો. સ્થાનિક રહીશોએ તેને ચોર સમજી લીધો હતો અને રાકેશ નાજા જાવંધ્રા, મનીષ નાજા જાવંધ્રા, રાજુ રણછોડ ઢોલા તેમજ વિનોદ રાજુ ઢોલા નામના શખ્સોએ એકસંપ થઈ લાકડાના ફટકા વડે તેને આડેધડ માર માર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત મોતથી શરૂ થયેલી તપાસ હત્યાના ગુનામાં ફેરવાઈ આ બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ મથકમાં શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ઊંડાણપૂર્વકની તપાસ અને ઈજાઓની ગંભીરતાને આધારે પોલીસે 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલતાં ફરિયાદ પક્ષ દ્વારા આરોપો સાબિત કરવા માટે કુલ 34 સાહેદો પૈકી 26 સાહેદોની જુબાની અને ઊલટ તપાસ કરાવવામાં આવી હતી.
પુરાવાના અભાવે કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપ્યો કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના સિનિયર વકીલ ગૌતમ આઈ. દેસાઈ, ચેતન કે. શાસ્ત્રી અને કિરીટ પાનવાલાએ દલીલો રજૂ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધ ગુનો શંકાથી પર સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવા ધ્યાને લીધા બાદ કોર્ટે પૂરતા સબળ પુરાવાના અભાવે તમામ 4 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

