Gujarat

બાજવા વિસ્તારમાં ગલ્લામાં 5 કિગ્રા સિલેન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી, અજાણ્યા શખસની શંકાસ્પદ ભૂમિકા સીસીટીવી કેદ

વડોદરા શહેર નજીક આવેલા બાજવા–કરચિયા રોડ પરની રાજેસ્થાન કોલોનીમાં ગત મોડી રાત્રે એક ચાના ગલ્લામાં ભેદી સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં આવી જતાં ગલ્લામાં રાખેલો ૫ કિલોગ્રામનો નાનો એલપીજી સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.

આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આખો ગલ્લો તૂટીને વિખેરાઈ ગયો હતો અને તેના કુરચેકુરચા ઊડી ગયા હતા. ધડાકાના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીપી-૧૩ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

દરવાજે કંકુ-ચોખાની પોટલી મૂકી ગલ્લાને આગ ચાંપવામાં આવી આ રહસ્યમય ઘટના આકસ્મિક ન હોવાનો અને કોઈ અજાણ્યા શખ્સે જાણીજોઈને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. ઘટના પૂર્વે એક શંકાસ્પદ યુવક આ કોલોનીમાં પ્રવેશતો જોવા મળ્યો હતો, જેના હાથમાં એક પોટલી હતી.

આ પોટલીમાં કંકુ, ચોખા અને ઘઉં જેવી સામગ્રી હોવાનું અને તે પરિવારના ઘરના મુખ્ય બારણા પાસે મૂકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અંધશ્રદ્ધા જેવી શંકાસ્પદ પ્રવૃત્તિ બાદ ગલ્લામાં આગ લગાવી દેવામાં આવી હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરી છે.