Gujarat

વાવ-થરાદમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે

વાવ-થરાદ જિલ્લામાં આગામી 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. થરાદના દૂધ શીત કેન્દ્ર ખાતે સવારે 11 વાગ્યે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જે અંગે અધિક કલેક્ટર તુષાર જાનીએ પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપી હતી. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વિધાનસભા અધ્યક્ષ સહિત મહાનુભાવો રહેશે હાજર અધિક કલેક્ટર તુષાર જાનીએ ભગવાન બિરસા મુંડા સહિત દેશના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને યાદ કર્યા હતા. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં 11 થી 18 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો તથા 20 બિન-આદિજાતિ જિલ્લાઓમાં 15 નવેમ્બરે મુખ્ય કાર્યક્રમો યોજાશે. આ દિવસે મુખ્યમંત્રી છોટાઉદેપુરથી અને નાયબ મુખ્યમંત્રી વલસાડથી લાઈવ પ્રસારણ દ્વારા જોડાશે, જ્યારે વાવ-થરાદના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સરકારી યોજનાઓની માહિતી અને જાહેર અપીલ પત્રકાર પરિષદ દરમિયાન આદિવાસી સમાજના શિક્ષણ, આરોગ્ય, આવાસ અને આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપવામાં આવી હતી. આ ઉજવણી દ્વારા આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને આદિજાતિ સમાજના લોકોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.