Gujarat

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગરમાં રાજ્ય સરકાર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વડાપ્રધાનના વર્ચ્યુઅલ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમારોહમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરકારી અધિકારીઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સન્માનપત્ર એનાયત કરાયા હતા.

રાજ્યના 34 જિલ્લામાં બિરસા મુંડા જયંતિની ઉજવણી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે, વડાપ્રધાનના આહ્વાન બાદ રાજ્ય સરકારે માત્ર આદિવાસી વિસ્તારોમાં જ નહીં, પરંતુ ગુજરાતના તમામ 34 જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય લીધો છે.

ભાવનગર ખાતેના કાર્યક્રમમાં તેમણે ભગવાન બિરસા મુંડાને વંદન કરી ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે, બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરે સમાજ અને રાષ્ટ્ર માટે કરેલા સંઘર્ષમાંથી આજની યુવાપેઢી પ્રેરણા લે તે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સન્માનપત્ર વડાપ્રધાનના વર્ચ્યુઅલ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોતાના ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવનાર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ, ઉત્કૃષ્ટ કામગીરી થકી સિદ્ધિ કે બઢતી મેળવનાર સરકારી અધિકારીઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.

આ અવસરે શહેર અને જિલ્લા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, મેયર, મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.