Gujarat

પરિવારને એક વર્ષ પછી પુત્રના મોતની જાણ થઈ

સુરતના ઉધના વિસ્તારમાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલા 18 વર્ષીય રાજસ્થાની યુવકના મોતની જાણ તેના પરિવારને પૂરા એક વર્ષ બાદ થતાં ચકચાર મચી ગઈ છે. નવેમ્બર 2025માં ગુમ થયેલા યુવકનો મૃતદેહ અંકલેશ્વર નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હોવાની પોલીસે હવે જાણ કરી છે. બીજી તરફ, પરિવારે યુવકને નોકરીના સ્થળે માનસિક ત્રાસ અપાયાનો આક્ષેપ કરી તપાસની માગ કરી છે.

નોકરીએ આવ્યાના 10 દિવસમાં જ થયો હતો ગુમ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગઢડા રોડ સ્થિત ખાનીયાની ગામનો 18 વર્ષીય તગારામ હરચંદરામ મેહરડા નવેમ્બર 2025માં એક કોન્ટ્રાક્ટર મારફતે સુરત નોકરી કરવા આવ્યો હતો. જોકે, સુરત આવ્યાના માત્ર 10 દિવસમાં જ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ અંગે 28 નવેમ્બર 2025ના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

હાઈકોર્ટમાં અરજી અને 25 હજારનું ઈનામ એક વર્ષ સુધી યુવકનો કોઈ પત્તો ન લાગતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. ત્યારબાદ પોલીસે તગારામની ભાળ મેળવવા માટે 25,000 રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી હતી. આ દરમિયાન નવેમ્બર 2026માં ઉધના પોલીસે પરિવારને જાણ કરી કે, તેમના પુત્રનો મૃતદેહ અંકલેશ્વર નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો અને સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.