સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે તંત્ર દ્વારા 18 નવેમ્બરથી ઓપીડી અને કેસ કઢાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને મુસાફરીના સમયના કારણે પડતી હાલાકી નિવારવા તેમજ શિયાળાની ઋતુને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. રાજ્યની અન્ય મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોના સમયની સમીક્ષા કર્યા બાદ હોસ્પિટલના તમામ વિભાગના વડાઓ દ્વારા સર્વાનુમતે નવું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.
તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, હવેથી સવારની ઓપીડી સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી અને સાંજની ઓપીડી બપોરે 3:00 થી સાંજે 5:00 સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે, દર્દીઓ સવારે 8:30 થી બપોરે 12:45 સુધી અને બપોરે 2:30 થી સાંજે 4:45 સુધી કેસ બારી પરથી નવા કેસ કઢાવી શકશે. આ ફેરફારથી દૂરથી આવતા દર્દીઓને કોઈપણ ઉતાવળ વગર સમયસર સારવાર મળી રહેશે.

