Gujarat

રાજ્યના જળાશયોમાં પાણી સંગ્રહની સ્થિતિ ચિંતાજનક થઈ

અમદાવાદ
ઉનાળાની શરૂઆત થયાં પહેલાં અછતના ગંભીર ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. બીજી તરફ, જળ જીવન મિશન હેઠળ ગુજરાતમાં ૯૨ ટકા ગ્રામીણ ઘરોને નળ કનેક્શનથી જાેડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જળ જીવન મિશનના ડેશબોર્ડ મુજબ, રાજ્યમાં ૧૧ જિલ્લા અને ૧૧૫ તાલુકાઓએ ૧૦૦ ટકા નળ કનેક્શનની સિદ્ધિ મેળવી દીધી છે. રાજ્યમાં કુલ ૯૧.૭૭ લાખ ગ્રામીણ ઘરો છે જેમાંથી મિશન શરૂ થયું એટલે કે ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં ૬૫.૧૬ લાખ ઘરોમાં નળ કનેક્શન હતું. ત્યારબાદના અઢી વર્ષની કામગીરીમાં ઘર કનેક્શનની સંખ્યા વધીને ૮૪.૪૪ લાખ થઈ ગઈ છે અને હજુ પણ ૭.૩૩ ઘરને નળ કનેક્શનથી જાેડવાની કામગીરી બાકી છે. પરંતુ ૨૨ જિલ્લામાં હજુ કામગીરી ચાલી રહી છે. સૌથી ધીમી કામગીરી આદિવાસી જિલ્લામાં નોંધાઇ છે. સૌથી ઓછું કામ દાહોદ જિલ્લામાં થયું છે. રાજ્યમાં ૩૨૨૩ ગામોમાં પાણી પુરૂં પાડવાની કામગીરી ચાલી રહી છે જ્યારે ૫૪૧ ગામ એવા છે જ્યાં હજુ કામગીરી શરૂ જ નથી થઈ. જળ શક્તિ મંત્રાલય મુજબ, દેશના મોટા રાજ્યોમાં ગોવા, હરિયાણા અને તેલંગાણાએ ૧૦૦ ટકા નળ કનેક્શનની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યમાં એક તરફ દરેક ઘરે નળ કનેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ત્રણ જિલ્લાના ૨૦ ગામ એવા પણ છે જ્યાં આજની તારીખે ટેન્કર દ્વારા પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ટેન્કર રિપોર્ટ મુજબ, બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના બે અને વાવના એક ગામ, કચ્છમાં ભચાઉના એક, ભુજના ૧૧ અને રાપરના ૩ ગામ તથા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ૨ ગામને કુલ ૫૯ ટેન્કરના ફેરાથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના જળાશયોમાં માત્ર ૮ ટકા જળસંગ્રહ છે. આ ઉપરાંત કચ્છમાંના જળાશયોમાં ૨૪ ટકા અને દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં ૩૬ ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૯ જળાશયોમાં જ ૯૦ ટકાથી વધારે જળસંગ્રહ છે. ૪૯ જળાશયોમાં ૭૦થી ૯૦ ટકા જેટલો જળસંગ્રહ છે. ૧૪૮ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી છે. ૪૦ જળાશોયમાં ૨૫ ટકાથી પણ ઓછું પાણી છે. ૫ જળાશયો એવા છે જેમાં એક ટીપું પણ પાણી નથી.હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઇને ગુજરાતમાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવા પડ્યા છે. રાજ્યના ૩ જિલ્લાના ૨૦ ગામોમાં ટેન્કરના દૈનિક ૫૫થી પણ વધુ ફેરાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં પાણી સંગ્રહની સ્થિતિ ચિંતાજનક થઈ છે અને ૪૦ જળાશયોમાં ૨૫ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે.

Less-than-25-water-in-40-reservoirs-not-even-a-drop-of-water-in-5-dams.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *