અમરેલી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ
અમરેલી અવધ રેસિડેન્સીમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ
૭ એક્ટિવ કેસ, ૫ ડિસ્ચાર્જ, ૧ મૃત્યુ : આમ કુલ ૧૩ પોઝિટિવ કેસ
દર્દીના રહેણાંક આસપાસનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
અમરેલી, તા: ૬ જૂન
અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા છે. પરંતુ ગઈકાલે તા. ૫ જૂનના મોડી સાંજે અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી જિલ્લામાં હવે કોરોનાના કુલ ૧૩ કેસ નોંધાયેલ છે. જે પૈકી ૧ વ્યક્તિ નું દુઃખદ અવસાન થયું છે. અને ૫ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૭ એક્ટિવ કેસ છે.
અમરેલી અવધ રેસિડેન્સીમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ રાજકોટ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ દર્દીના રહેઠાણ એટલે કે અવધ રેસિડેન્સીની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અવધ રેસિડેન્સીના પૂર્વ દિશામાં આવેલા બ્લોક નંબર ૨૧ થી ૧૩ તેમજ પશ્ચિમ દિશામાં આવેલા બ્લોક નં. ૩૭ થી ૪૬ તેમજ સી-૧૫ નો સિંગલ બ્લોકની પશ્ચિમ તરફની કમ્પાઉન્ડ વોલ સુધીનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રહેતા લોકો ને રાશન તેમજ જીવનજરૂરિયાતની સામગ્રી તંત્ર દ્વારા ઘરે પહોંચાડવામાં આવશે. આ વિસ્તારમાં જીવન આવશ્યક સેવાઓની દુકાનો સવારે ૭ થી સાંજના ૭ સુધી ખુલ્લી રાખી શકાશે. તેમજ અહીં વસવાટ કરતા લોકોને બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
