વડોદરા
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને છેલ્લા કેટલાક વર્ષોથી ગટર બનાવી દેવામાં આવી છે. તેમાં કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનું દુષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ અંગે થોડા સમય પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને તેમાં રહેતા જળચર પ્રાણીઓનો બચાવ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ રોહિત પ્રજાપતિ સહિત પર્યાવરણવિદોએ આ અંગે કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી. પર્યાવરણવિદો દ્વારા વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા સંચાલિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બંધ હાલતમાં પડયા હોવાની વિગતો બહાર આવી હતી .આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ અવારનવાર નોટિસો આપી હતી. તાજેતરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ફરી એકવાર કોર્પોરેશનનું ધ્યાન દોર્યું છે. વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણી છોડવાનું બંધ કરવામાં નહીં આવે તો અધિકારીને કાયદાકીય જાેગવાઈ મુજબ જેલની પણ સજા થઈ શકે છે તેવી ચીમકી આપતી નોટિસ આપવામાં આવી છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનુ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમા ટ્રીટ કર્યા વિના દુષિત પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અવાર-નવાર નોટિસો આપ્યા પછી પણ કોર્પોરેશન દ્વારા દુષિત પાણી છોડવાનું બંધ કરવામાં ન આવતા જીપીસીબીએ આખરી નોટિસ કોર્પોરેશનને ફટકારી છે. જેમાં અધિકારીને જેલમાં જવું પડશે.,તેમ જણાવ્યું છે.
