રાજકોટ
ભાજપ સરકારના રાજમાં દેશભરમાં વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ગરીબોના ઘરનો ચૂલો સળગે અને બે ટંક ભોજન મળી રહે તેવા ઉમદા હેતુદર સ્વ. ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘાદાટ શાકભાજીનું મૂળ કિંમત કરતા ૫૦% રાહત દરે આજે હુડકો પોલીસ ચોકી સામે સવારે ૯ થી ૧૧ દરમ્યાન વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦૦ કિલો બટાટા ૧૦૦૦ કિલો ટામેટા ૧૦૦૦ કિલો ડુંગળી અને ૫૦૦ કિલો લીંબુનું રૂ.૭૦ના ભાવે રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવાના ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. સરકારના પાપે ગરીબોને બે ટંક ભોજનના પણ ફાફા પડી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ આકાશને આંબી ગયા છે. ત્યારે પહેલા લીંબુ અને હવે ટામેટાના ભાવ અને બટાટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો ફરી વારો આવ્યો છે. મોંઘવારીનાં માર પર મલમ લગાડવાનું કામ કોંગ્રેસે હાથમાં લીધું છે.રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં શહેરની હુડકો ચોકડી પાસે અડધા ભાવે એક કિલો ડુંગળી, બટાટા અને ટામેટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેને પગલે મોટી સંખ્યામાં શહેરીજનો ઊમટી પડ્યા હતા અને શાકભાજી લેવા લોકોની લાઈન લાગી હતી.
