Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓ મોડા આવશે તો અડધા દિવસનો પગાર કટનો નિર્ણય

રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહેકમ વિભાગે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, વર્ગ ૧થી ૪ના કર્મચારી કચેરીના નિયત સમય કરતા ૧૦ મિનિટ મોડા આવે અને આવું એક મહિનામાં બે વખત થાય તો ચલાવી લેશે પરંતુ ત્રીજી વખત ૧૦ મિનિટ મોડા આવશે તો તેનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે. યુનિવર્સિટીના નિયમિત કર્મચારી કે અધિકારી માટે કચેરીનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ સુધીનો રહેશે. વર્ગ-૪ના કર્મચારી માટે સવારે ૧૦થી સાંજે ૬.૪૫ રહેશે. કાયમી કર્મચારી કે અધિકારી પણ મહિનામાં જાે ત્રીજી વખત ઓફિસના નિર્ધારિત સમયથી ૧૦ મિનિટ મોડા આવશે તો અડધા દિવસનું મહેનતાણું કાપી લેવાશે. જ્યારે એપ્રેન્ટિસ કે આઉટસોર્સિંગના સ્ટાફ માટે સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ સુધી અને વર્ગ-૪ના સ્ટાફ માટે સવારે ૧૦થી સાંજે ૬.૪૫ સુધીનો સમય રહેશે. જાે કોઈ સ્ટાફને અનિવાર્ય કારણોસર બપોરબાદ અડધા દિવસ માટે આવવાનું થાય તો તેઓએ બપોરે ૨ વાગ્યા પહેલા ઓફિસમાં હાજર થવું પડશે. અને બપોરબાદ બહાર જવાનું થાય તો તેમના નિયત સમયે આવવાનું અને બપોરે ૨.૩૦ કલાકે જવાનું રહેશે જેનું અડધા જ દિવસનું મહેનતાણું મળશે. ગુટલીબાજ કર્મીઓ સામે યુનિ.એ કડક વલણ દાખવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિયત સમયે અધિકારી કે કર્મચારી હાજર નહીં હોવાની વિદ્યાર્થીઓએ અનેક ફરિયાદો કરી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના કેટલાક ગુટલીબાજ કર્મચારી ગમે ત્યારે ઓફિસે આવે તો ગમે ત્યારે જતા રહે તેની સામે હવે યુનિવર્સિટીએ કડક વલણ દાખવતો પરિપત્ર મંગળવારે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *