રાજકોટ,
રાજકોટના મિલપરા મેઇન રોડ પર રહેતા ટ્રાવેલ એજન્ટ સંદીપભાઇ ભરતભાઇ રાણપરાની ફરિયાદ પરથી પોલીસ કમિશનર કચેરીમાં કાર્યરત પાસપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા જમાદાર મયૂર શાંતિલાલ પેંગ્યાતર તેમજ પાસપોર્ટ કન્સલ્ટન્ટની સાથે પોલીસના વચેટિયા તરીકે કામ કરતા રેલનગરના ચંદ્રશેખર ગોવિંદરાવ કરાંદિકર સામે પ્રદ્યુમ્નનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ છે. ગુનો નોંધાયા બાદ બનાવની તપાસ એસીપી પી.કે.દિયોરાને સોંપાઇ છે. ટ્રાવેલ એજન્ટ સંદીપભાઇના પિતરાઇ ભાઇ બ્રિજેશ આડેસરાને દુબઇ ફરવા જવું હોય પરંતુ પાસપોર્ટ ન હોવાને કારણે પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરી હતી. પાસપોર્ટ અરજીને પગલે એ ડિવિઝન પોલીસે સંદીપભાઇ અને બ્રિજેશભાઇને બોલાવી તેમના નિવેદન લીધા હતા. લાંબા સમય પછી પણ પાસપોર્ટ નહિ આવતા પોલીસ કમિશનર કચેરી જઇ પાસપોર્ટનું કામ સંભાળતા જમાદાર મયૂર પેંગ્યાતરને મળવા ગયા હતા. ત્યારે જમાદાર મયૂરે બ્રિજેશનો પાસપોર્ટ કઢાવવા હાથના ઇશારાથી પૈસાની માગણી કરી તમને પછી ફોન પર વાત કરું તેમ કહ્યું હતું. ત્રણ દિવસ બાદ જમાદાર મયૂરનો સંપર્ક કરતા તેમને ગિરનાર સિનેમા પાસે આવેલી કોલ્ડ્રીંક્સની દુકાને બોલાવ્યા હતા. સંદીપભાઇ ત્યાં પહોંચતા જમાદાર મયૂરે બ્રિજેશભાઇના પાસપોર્ટની અરજી અઘરી છે, તેની સામે પોલીસ કેસ છે, જેથી રૂ.૪ હજારનો ખર્ચ થશે. જેથી બ્રિજેશભાઇનો અકસ્માતનો કેસ પૂરો થઇ ગયો છે અને તેમાં નિર્દોષ છૂટી ગયા છે. જે જજમેન્ટની કોપી પણ પાસપોર્ટની અરજીમાં જાેડી હોવાનું કહ્યું હતું. તેમ છતાં જમાદાર મયૂરે રૂ.૪ હજાર આપશો પછી કામ થશે. થોડા દિવસ બાદ ફરી જમાદાર મયૂરને મળતા તેણે કહ્યું કે, જાે તમારે પાસપોર્ટ અર્જન્ટ જાેઇતો હોય તો મારા મિત્ર ચંદ્રશેખર છે તે કરી આપશે તેમ કહી તેના મોબાઇલ નંબર આપ્યા હતા. જે નબંર પર ચંદ્રશેખરે પણ પાસપોર્ટ કઢાવવાનો કેસ અઘરો છે, પાસપોર્ટ ક્લિયર કરાવવાના ૨૦ હજાર થશેની વાત કરી હતી. પાસપોર્ટ કઢાવવા માટે લાંચની માગણી કર્યા બાદ જમાદાર મયૂરને ફોન કરી તમને આપવા માટેના રૂ.૧૦ હજાર ક્યાં દેવા આવવાનું છે. જેથી જમાદાર મયૂરે ગિરનાર ટોકીઝ પાસે બોલાવતા સંદીપભાઇ અને મિત્ર ત્યાં પહોંચ્યા હતા. બાદમાં સંદીપભાઇ એકલા જમાદાર મયૂરને મળ્યા હતા. જ્યાં રૂ.૧૦ હજાર જમાદાર મયૂરને આપતા તેને રૂપિયા ગણીને ખિસ્સામાં મૂકી દીધા હતા. આ બનાવનો ગુનો નોંધાતા પોલીસે જમાદાર મયૂર પેંગ્યાતર અને ચંદ્રશેખર કરાંદિકરની મોડી રાતે ધરપકડ કરી હતી. રાજકોટમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે ખુદ પોલીસ દ્વારા જ વચેટિયા મારફતે લાંચ લઇને કરવામાં આવતા ભ્રષ્ટાચારનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો. ભ્રષ્ટાચારના પર્દાફાશના ચાર દિવસની પોલીસના ઉચ્ચ અધિકારીઓની તપાસના અંતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધી છે.