જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી પાઠક સ્કૂલમાં ગણેશચતુર્થી પર્વ નિમિત્તે વિધ્નહર્તા ગણપતિ બાપાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં ભારતીય પરંપરા અને શાસ્ત્રોના મંત્રોચાર દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ બાળકોએ તથા શાળાના તમામ ગુરુજનો દ્વારા મહાઆરતી કરવામાં આવી અને ગણપતિ દાદાના પ્રિય પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપાની જન્મ-જયંતી પર્વની ઉજવણી શાળામાં હર્ષોઉલ્લાસ અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી. આ પર્વ વિશે શાળાના દરેક બાળકો જાણે અને સમજે તે હેતુથી પાઠક સ્કૂલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના તમામ શિક્ષકો અને સંચાલકે પણ હાજરી આપી બાળકો અને વાલીઓના ઉત્સાહમાં વધારો કરેલો હતો. પાઠક સ્કૂલમાં ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નાદથી શાળાનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. જેથી શાળાનું પ્રાંગણ એકદમ ભક્તિમય બની ગયું હતું. તેમજ તમામ વાલીઓ અને શિક્ષકો દ્વારા શાળામાં મહા આરતીનું આયોજન અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ નિમિત્તે સ્કૂલના સંચાલક સમીરભાઈ કણસાગરાએ ગણપતિ દાદાની કેટલીક પૌરાણિક કથાઓ જણાવીને શાળાના તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓ અને શાળા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
