ગાંધીનગર
રાજયની વિવિધ બેંકના ખાતેદારોના ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાની ઘટના બની રહી છે. વિવિધ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ફ્રોડ કરીને ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં રૂ. ૭.૨૫ની રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું. સરકારે એવો પણ ખુલાસો કર્યો હતો કે, આ કૌભાંડ કરનારા ૧૪૪ આરોપીને ઓળખી કાઢવામાં આવ્યા છે. ૩૧ ઓકટોબર, ૨૦૨૧ સુધીમાં આઇડેન્ટીફાય થયેલ આરોપીઓએ કેટલા રૂપિયા ઓનલાઇન ઉપાડી લીધા અને તે પૈકી કેટલા પાછા મેળવીને મૂળ માલિકોને પરત કરાયા હતા. સરકારે કહ્યું કે, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં ગઠિયાઓએ ૭.૨૫ કરોડની રકમ ઓનલાઈન ફ્રોડ કરી ઉપાડી લીધી છે. આમાંથી અંદાજે રૂ. ૮૯ લાખ પરત મેળવવામાં આવ્યા છે અને તેમાંથી પણ લગભગ ૮૫ લાખ મૂળ માલિકને પરત કરાયા છે. અમદાવાદમાં ૮૦૪ અને સુરતમાં ૫૮૭ મળી કુલ ૧૩૯૧ ગુના દાખલ થયા હતા. અમદાવાદના આંકડા જાેઈએ તો ૨૦૧૮માં ૨૧૨, ૨૦૧૯માં ૧૭૧ અને ૨૦૨૦માં ૪૨૧ સાયબર ક્રાઈમના ગુના દાખલ થયા હતા. જેમાં ૨૯. ૩ ટકા કેસમાં પોલીસે આરોપીઓને પકડીને ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
