અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ આસપાસ છેલ્લા ચાર દિવસથી સિંહોના આટાફેરા વધતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે રાત્રે એક સિંહે આરામ ફરમાવી રહેલા વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ચિત્તાની માફક સિંહે પાછળથી દોટ મૂકીને વાછરડાનો શિકાર કર્યા હતો, જેનાં રોચક દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં. સામે આવેલા સીસીટીવીમાં જાેઈ શકાય છે કે ગણતરીની સેકન્ડોમાં વાછરડાને મોઢામાં બદોચીને સિંહ ઢસડીને દૂર લઈ જાય છે. અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર શિકારની શોધમાં સિંહ આવી ચડતા હોવાનાં દૃશ્યો જાેવા મળે છે. રાજુલાના વાવડી ગામમાં ત્રણ દિવસ પહેલાં જ એક સિંહણે ૧૫ વર્ષીય કિશોરનો શિકાર કર્યો હતો. ત્યારે ગત રાત્રિએ જાફરાબાદના લોઠપુરમાં જાહેરમાં સિંહે એક વાછરડાનો શિકાર કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આરામ ફરમાવી રહેલા વાછરડાની સિંહે પાછળથી દોડ મૂકી છલાંગ લગાવી શિકાર કર્યો હતો. શિકાર માટે સિંહે તરાપ મારી વાછરડાને ગળાના ભાગે પકડી લીધું હતું, એ બાદ એને પોતાની સાથે લઈ ગયો હતો. અમરેલી જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. એ પૈકીનાં સિંહ-સિંહણો અનેકવાર ખોરાક અને પાણીની શોધમાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડે છે. ત્યારે ઘણીવાર કોઈ પશુ મળી જાય તો એના શિકાર પણ કર્યાની ઘટનાઓ સામે આવી છે.
