મુંબઇ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જીવને જાેખમ હોવાની માહિતી મળ્યા બાદ તેમની સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સંચાલિત ગૃહ વિભાગે પણ કોલ અને અજાણ્યા કોલરને ટ્રેસ કરવાના પ્રયાસો કરવા તથા આ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે. દરમિયાનમાં રાજ્યના ગુપ્તચર કમિશનર આશુતોષ ડુંબરેએ મુખ્યમંત્રીના જીવને જાેખમ હોવાની માહિતી મળ્યાની પુષ્ટિ કરી છે. જાેકે શિંદેએ કહ્યું છે કે તેઓ ગભરાતા નથી અને પોતાનીરીતે કામગીરી ચાલુ રાખશે. ડુંબરેએ વધુ વિગતો ન આપતાં જણાવ્યું હતું કે ચોક્કસ માહિતી મળ્યા બાદ જ અમે જરૂરી પગલાં લીધા છે અને મુખ્યમંત્રીની સુરક્ષામાં વધારો કર્યો છે. તેમને ઝેડ કક્ષાની સુરક્ષા ઉપલબ્ધ છે. થાણેમાં શિંદેના ખાનગી નિવાસસ્થાન અને મુંબઈમાં સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શિંદે ૫ ઓક્ટોબરે મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં પહેલીવાર દશેરા રેલીને સંબોધિત કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ, શિંદે અગાઉની સરકારમાં મંત્રી હતા ત્યારે માઓવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વો તરફથી પણ તેમને ધમકીઓ મળી હતી. જાેકે અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી પરંતુ એવી અટકળો છે કે તાજેતરની ધમકીઓ પીએફઆઇ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના ર્નિણય સાથે જાેડાયેલી હોઈ શકે છે.
