પોલીસ અને કાયદા પોતાની મુઠ્ઠીમાં હોવાની ગેર સમજમાં ફરતા લુખ્ખાઓએ બેખૌફ બની વેપારીને એક જ દિવસમાં બે વાર માર માર્યો હતો. આ બનાવ અંગે આનંદનગર અને સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુંડાઓ એટલી હદે બેખૌફ હતા કે, વેપારી મારમાર્યાની ફરિયાદ નોંધાવી બહાર નીકળ્યા બાદ ફરીવાર રસ્તામાં રોકી કારના કાચ તોડી હુમલો કર્યો અને દંડાથી મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, તે પોલીસ ફરિયાદ કેમ કરી? તને જીવતો નહીં મૂકીએ તેવી ધમકી આપી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જયદીપ હર્ષદ ઠક્કર પોતાની કાર લઈને સોલા બ્રીજથી સાયન્સ સિટી બ્રીજ તરફ જતા હતા. તે સમયે 4 દિવસ પહેલા સ્કોર્પિયો કારમાં આવેલા યુવકોએ જયદીપની કાર આંતરી હતી. કારમાંથી ઉતરેલા યુવકોએ જયદીપની કારના કાચ તોડી દંડા વડે માર મારવા લાગ્યા હતા. જેમાંથી એક ભાવેશ રબારીએ જયદીપભાઈને પોલીસ ફરિયાદ કેમ કરી? હવે તને નહીં છોડીએ તેમ કહી અપશબ્દો બોલી ચાકુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે જયદીપભાઈને ઈજા થતાં તેમને ઝાયડસ હોસ્પિટલમાં લઈ જેવામાં આવ્યા હતા.
ભાવેશ અને તેના સાગરીતોએ જયદીપ ઠક્કરને તેમની ઓફિસમાં ઘૂસી માર માર્યો હતો. જયદીપભાઈના ભાઈ પ્રિતેશે આરોપીઓ પાસેથી પૈસા લીધા હતા. જો કે બાદમાં દેવું થઈ જતા પ્રિતેશ ક્યાંક ચાલ્યો ગયો હતો. આથી આરોપીઓ જયદીપભાઈની ઓફિસે તેના ભાઈ અંગે પૂછપરછ કરવા ગયા હતા. જયદીપભાઈએ ભાવેશને તેઓ પ્રિતેશ વિશે કંઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું. જેના પગલે ભાવેશ દેસાઈ અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો.


