અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ લડી ચુકેલા તેમજ સગા-સબંધીને ટિકિટ ના આપવાના નિર્ણય સામે કેટલાક નેતા નારાજ થયા છે. અમદાવાદના પૂર્વ મેયર અને વાસણાના કોર્પોરેટર અમિત શાહે સીઆર પાટિલના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.
અમિત શાહે પોતાના દીકરા માટે ટિકિટ માંગી હતી
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના નિર્ણય બાદ ત્રણ ટર્મથી વધુ કોર્પોરેટર રહ્યા હોય, તેમની ટિકિટ કપાઇ શકે છે. અમદાવાદના પૂર્વ મેયર અને વાસણામાં કોર્પોરેટર અમિત શાહે કહ્યુ કે, “પાર્ટીનો આ નિર્ણય શિરોમાન્ય છે, પાર્ટીમાં જ્યારે કોઇ નિર્ણય લેવામાં આવે છે ત્યારે સામુહિક પ્રક્રિયાથી નિર્ણય લેવામાં આવે છે.”
અમિત શાહે પોતાના દીકરા માટે ટિકિટ માંગી હતી. જોકે, ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિર્ણય અનુસાર પુત્ર, પુત્રી, ભાઇ, ભત્રીજા સહિતના સગા-સબંધીઓને ટિકિટ નહી મળે. આ મામલે અમિત શાહે કહ્યુ કે, “મારો દીકરો વાસણાનો ઇનચાર્જ છે અને શહેરનો મંત્રી છે, યુવા મોરચામાં વોર્ડનો મંત્રી છે. પાર્ટી મારા દીકરાને ટિકિટ ના આપે તો કઇ વાંધો નથી, અમે વાસણા વોર્ડની ચાર સીટ કાઢી નાખવાનો પ્રયત્ન કરીશું, તેનો એટલો જ વાક છે કે તે મારો પુત્ર છે.”
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના નવા અને યુવા કાર્યકર્તાને તક આપવામાં આવશે તે નિર્ણય અંગે અમિત શાહે કહ્યુ કે, “નવા કાર્યકર્તા આવશે તો આનંદ થશે. કોર્પોરેશનના વહીવટમાં કોંગ્રેસના શાસનની ટિકા કરી શકે તેવા લોકોની જરૂર છે. આ લોકો સાથે કેટલાક સીનિયર કોર્પોરેટર પણ હોવા જરૂરી છે.”
અમદાવાદમાં 20થી વધુ સીનિયર નેતાઓ કપાશે
અમદાવાદ મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર પૈકી 20થી વધુ સીનિયર નગર સેવકોના નામ પર પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના નિયમ બાદ પૂર્ણ વિરામ મુકાઇ ગયુ છે.ભાજપના નિયમ અનુસાર 60 વર્ષથી વધુ વયવાળા અને 3 ટર્મથી જીતનારાઓને ટિકિટ નહી મળે.


