દ્વારકા…
*ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે*
દ્વારકાનું જગતમંદિર કોરોના સંક્રમણના કારણે તા. 10 થી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તા. 12મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે અને આવું ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. જોકે, આ દરમિયાન નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે, પણ દ્વારકાધીશના જન્મોત્સવમાં પૂજારી પરિવાર સિવાય અહીં કોઇ ભાગ લઇ નહીં શકે.
સામાન્ય રીતે આ દિવસોમાં અહીં બે લાખથી વધુ દર્શનાર્થીઓ આવતા હોય છે. જન્માષ્ટમીએ વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ દ્વારકા આવે છે. દ્વારકા મંદિરના પુન: નિર્માણની યોજના પણ બની ગઈ છે. દરેક ઘાટનું પણ નવીનીકરણ કરાયું છે.કૃષ્ણભક્તો માટે જન્માષ્ટમી એક અનોખો ઉત્સવ હોય છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લોકોને મહાકાલેશ્વર મહાદેવના દર્શન માટે છૂટ આપી હતી તેમ દ્વારકાવાસીઓને છૂટ આપવી જોઇએ તેમ જણાવતા દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરના પુજારી પ્રણવભાઇએ કહ્યું હતું કે, કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લેવાયેલા પગલાને અમે બિરદાવીએ છીએ. પણ દ્વારકાવાસીઓને આ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં ભાગ લેવા દેવો જોઈએ.
બહારગામથી આવતા યાત્રીકોમાં કોઇ કોરોના સંક્રમિત હોઇ શકે, જેથી તેમને દ્વારકામાં પ્રવેશ નિષેધ હોવો જરૂરી છે, પરંતુ જેમ ઉજ્જૈનમાં લોકોને દર્શન માટે મંજૂરી આપી હતી તેમ દ્વારકાના સ્થાનિક રહીશોને આ લાભથી વંચીત રાખવા યોગ્ય નથી. સોશિયલ ડિસ્ટન્સ તથા સરકારના નિયમોને આધીન તંત્રે આ વિષય પર ફરી વિચાર કરવો જોઈએ. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર દ્વારા જગતમંદિર ચાર દિવસ માટે બંધ રાખવાનું જાહેર કરાયું છે. જોકે આ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ઓનલાઈન દર્શન કરી શકશે. કલેક્ટરે જાહેરનામામાં જણાવ્યું છે કે, જન્માષ્ટમી પ્રસંગે દ્વારકામાં લગભગ દોઢ લાખ લોકો ભેગા થતા હોય છે. ચાલુ વર્ષે કોરોનાને કારણે જો આટલી મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ ભેગા થાય તો રોગ વધુ ફેલાય આથી આ નિર્ણય લેવો અતિ આવશ્યક હતો.
રિપોર્ટ:-કેતન પંડ્યા, દ્વારકા.