*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*કોરોના મહામારી વચ્ચે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે પોષણ આહાર પેકેટનું વિતરણ*
૪૦૦૨૨ બાળકો, ૧૭૨૩૩ સગર્ભા/ધાત્રી માતાઓ અને ૩૦૧૬૬ કિશોરીઓને કુલ ૪,૬૯,૭૪૭ ટેક હોમ રેશનનું વિતરણ
આંગણવાડી બહેનોએ આરોગ્ય વિભાગ સાથે મળી હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા
આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકો, સગર્ભા/ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓની ખાસ દરકાર
*આલેખન: રાધિકા વ્યાસ, સુમિત ગોહિલ*
અમરેલી, તા. ૯ એપ્રિલ
હાલ વિશ્વ આખું કોરોના મહામારી વચ્ચે પીડાઈ રહ્યું છે. સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ કોરોનાએ પોતાનો કહેર વરતાવવાનું શરૂ કરી દીધું છે. આવા કપરા સમયે પણ દરેક સરકારી વિભાગો દ્વારા પોતાની નિયત કાર્યવાહી સંનિષ્ટતાપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે.
કોરોના મહામારી વચ્ચે પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ ઘટક કક્ષાએ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓના નેતૃત્વ હેઠળ આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોના તેમજ માતાઓના પોષણ સંલગ્ન કામગીરી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં ૧૫૯૨ આંગણવાડી કાર્યકર બહેનો અને ૧૫૪૦ આંગણવાડી તેડાગર બહેનો દ્વારા જિલ્લાની કુલ ૧૬૧૬ આંગણવાડી કેન્દ્ર વિસ્તારમાં ઘેર ઘેર જઈને કુલ ૪૦,૦૨૨ બાળકો(૬ માસથી ૩ વર્ષ),૧૭,૨૩૩ સગર્ભા/ધાત્રી માતાઓ અને ૩૦,૧૬૬ કિશોરીઓને કુલ ૪,૬૯,૭૪૭ પેકેટ(બાલશક્તિ/માતૃશક્તિ/પુર્ણાશક્તિ) ટેક હોમ રેશનનું વિતરણ કરીને પોષણ અભિયાનની ઝુંબેશને ચાલુ રાખી છે.
ઉપરાંત હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રો બંધ હોય આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તાના રૂપમાં આપવામાં આવતું પુરક પોષણ હાલ પૂરતું મોકૂફ રાખીને તેમની અવેજીમાં ઘેર ઘેર જઈને કુલ ૪૦,૯૩૭ બાળકોને ૧,૫૮,૬૪૦ પેકેટ ટેક હોમ રેશન(બાલશક્તિ) તેમજ રમત-ગમત કિટનું વિતરણ કરવામાં આવ્યું છે, કે જેથી લોકડાઉનની આ પરિસ્થિતિમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે અને બાળકો ઘરે વાલી સાથે રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃતિઓ કરી શકે.
ઉપરાંત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા હાલ કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સાથે સંકલનમા રહીને હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પણ પુર્ણ કરી છે. આજે આંગણવાડી કાર્યકરોએ પોતાને આપતા “માતા યશોદા”ના બિરુદને સાર્થક કર્યું છે.
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો અમરેલી જિલ્લાના લોકો પોતાના ઘરમાં સલામત અને તંદુરસ્ત રહે તે માટે બાળકો, સગર્ભા માતાઓ,ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓની ખાસ દરકાર લઈ રહી છે. તો આપણી પણ જિલ્લાના નાગરિક તરીકેની ફરાજને બજાવીએ, તેમના આ પ્રયાસને સફળ બનાવીએ અને કોરોનાની જંગમાં વહીવટી તંત્રને મદદરૂપ થઈ ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)