એપેડેમીક ડિસીસ એક્ટ અંતર્ગત કલેકટરનું જાહેરનામું
આગામી 31 માર્ચ સુધી જામનગર શહેર અને જિલ્લામાં પાન-તમાકુના ગલ્લા, ચા ની દુકાન-લારીઓ, શેરડીના રસ, જ્યુસ, સોડા શોપ, આઇસ્ક્રીમ, ગોલા, મીઠાઇ, ફરસાણ અને દૂધના માવાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આજે એપેડેમીક ડિસીસ એક્ટ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરી કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક પગલાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરનામામાં જાહેર રસ્તા પર વેચાણ થતી ખાણી-પીણીની તમામ ચીજવસ્તુઓ તેમજ જિલ્લામાં આવેલ તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને ભોજનાલય પણ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. પરંતુ પાર્સલ સેવા ઉપલબ્ધ કરી શકાશે. આ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા હાઇજીનના ધારા-ધોરણોનું સખ્ત રીતે પાલન કરવાનું રહેશે.
જાહેરનામામાં જીવનજરૂરિયાતની વસ્તુઓ જેવી કે શાકભાજી, ફ્રૂટ, દૂધ, દહીં, છાશ, અનાજ-કરિયાણુ, દવાઓના વેચાણને છૂટ આપવામાં આવી છે. જ્યારે હોસ્ટેલ અને હોસ્પિટલમાં ચાલતા ભોજનાલય ઉપરાંત સરકારી કચેરીમાં ચાલતી કેન્ટીનને પણ જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.