જિલ્લા માહિતી કચેરી અમરેલી
*કોરોનાની મહામારી વચ્ચે વહીવટીતંત્રની સંવેદનશીલતા*
*અમરેલી જિલ્લામાં રોજગારી અર્થે આવેલા ૧૦૫૪ પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાયા*
*અન્ય જિલ્લા તેમજ રાજ્યોમાંથી આવેલ શ્રમિકોને મોકલવા ૧૬ એસ.ટી. બસોની વ્યવસ્થા કરાઈ*
તા. ૨૯ માર્ચ, અમરેલી
હાલ દેશ અને દુનિયા કોરોનાવાયરસના સકંજામાં છે, ત્યારે ગુજરાતમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સતત કાર્યરત છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના સુખદ આરોગ્ય તેમજ સલામતીની જાળવણીની સાથોસાથ અન્ય જિલ્લા અથવા રાજ્યમાંથી રોજગારી મેળવવા આવેલા પરપ્રાંતિયોની પણ સંભાળ લેવામાં આવી રહી છે.
આવા લોકો માટે આશ્રિત ગૃહમાં રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા સાથે તેમને તેમના વતન સુધી પહોંચાડવાની સંનિષ્ઠ કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અદા કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીને નાથવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે કામ ધંધા બંધ થતા રોજગારી અર્થે અમરેલી જિલ્લામાં વસતા અને નાના મોટા કાર્યોમાંથી છુટક આમદની પ્રાપ્ત કરતા પરપ્રાંતિય મજૂરો તેમના પરિવાર સહિત વતન જવા નીકળી પડ્યા. પરંતુ વાહન વ્યવહાર બંધ થતાં મજૂર પરિવારોને પોતાના ઘર-વતન સુધી પહોંચવાની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. આવા કપરા સમયે જિલ્લા વહીવટીતંત્ર પરપ્રાંતીય મજૂરવર્ગ તેમજ તેમના પરિવારની વ્હારે આવ્યું છે.
જિલ્લા પ્રશાસન દ્વારા અમરેલી જિલ્લામાં રોજગારી માટે રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિય મજૂરોને પોતાના વતનમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ ભગીરથ કાર્ય માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસ.ટી. બસ મારફતે મજુર તેમજ તેમના પરિવારને પોતાના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમરેલી એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી ચારોલા જણાવે છે કે આ કાર્ય માટે અમરેલી ડેપોમાંથી છ બસ ફાળવવામાં આવી હતી. આ છ બસ દ્વારા રાજસ્થાન બોર્ડર(આબુરોડ) પર ૨૦૨ લોકોને, પીટોલ બોર્ડર પર ૮૨૧ લોકોને તેમજ રાજ્યના અંતરિયાળ વિસ્તારો જેમ કે, દાહોદ, ઝાલોદ અને હિંમતનગર આસપાસના વિસ્તારોમાં ૩૧ લોકો મળીને કુલ આશરે ૧૦૫૪ પરપ્રાંતીય મજૂરો તેમજ તેમના પરિવારને પોતાનાં વતન પહોચાડવામાં આવ્યા હતા.
આમ હાલ જ્યારે દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે પણ “સેવા પરમો ધર્મ”ના મંત્ર સાથે રાજ્ય સરકાર જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો એકપણ મૌકો ગુમાવતી નથી. રાજ્ય સરકાર તેમજ વહીવટીતંત્રએ આ માનવતાપૂર્ણ કાર્ય થકી પોતાની સંવેદનશીલતા અને ઋજુતાનો બખૂબી પરિચય આપ્યો હતો.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ /રાધિકા વ્યાસ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)