કોરોના વાયરસની અસરઃ વ્યાપાર ઘંઘામાં 50% શટડાઉન, ગુજકેટની પરીક્ષા રદ્દ
વિશ્વમાં ફેલાયેલા વાયરસને કારણે સર્વત્ર શટડાઉન જોવા મળી રહ્યું છે. શેરમાર્કેટથી લઈને સિને જગત સુધી બધું ઠપ થઈ ચૂક્યું છે. આ સાથે શિક્ષણક્ષેત્રે પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે તમામ પ્રકારની બોર્ડ સિવાયની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. જામનગર સહિત રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. જામનગર શહેરમાંથી 2100 જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના હતા.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી યોજાનારી BBA અને BJMCની પરીક્ષા પણ રદ્દ કરી દેવામાં આવી છે. જેથી જામનગરની એસઇવીટી, હરિયા કોલેજ, ડી.કે.વી. કોલેજ તેમજ એમ.પી.શાહ કોલેજમાં કૉલેજમાં યોજાનારી પરીક્ષા પણ કેન્સલ કરવામાં આવી છે.
સરકાર તરફથી જુદી જુદી વિદ્યાશાખાની કસોટીનું સમયપત્રક 4 એપ્રિલ બાદ જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ જુદા જુદા વિષયના પેપરનું એસેસમેન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ જામનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈએ જણાવ્યું હતું કે, યાર્ડમાં જુદા જુદા ગ્રામ્ય પંથકમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને આવતા હોય છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલ તા. 21થી જુદા જુદા પાકની આવક લેવાનું બંધ થશે. જ્યારે તા. 25મીથી સમગ્ર માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.