અમરેલી જિલ્લા પ્રશાસનની હોમ કોરેન્ટાઇન લોકો પર ચાંપતી નજર
તાલુકા કક્ષાએ સ્ક્વોડની રચના : ગામે-ગામ જઈ હોમ કોરેન્ટાઇનના ભંગ બદલ કરશે કાર્યવાહી
હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓ દ્વારા કોરેન્ટાઇનનો ભંગ થતો જણાય તો માલૂમ થાય તો કન્ટ્રોલ રૂમ ૦૨૭૯૨ ૨૨૮૨૧૨ પર જાણ કરો : કલેકટરશ્રી
જિલ્લા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ થકી હોમકોરેન્ટાઇન અંગે માર્ગદર્શન મળશે
અમરેલી, તા: ૧૩ મે
સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાતાં અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં અનેક લોકો પ્રવેશ્યા છે. તેમજ હાલ આ તમામ લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરી તેમને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. પરંતુ આજરોજ ગુજરાતના એકમાત્ર કોરોના મુક્ત અમરેલી જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે જેના પગલે તંત્ર દ્વારા હોમકોરેન્ટાઇન લોકોના પરિવારજનો સહિત સમગ્ર ઘરને કોરેન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી જો તેઓ ઇન્ફેકટેડ હોય તો આ ઇન્ફેક્શન ઘરની બહાર ન ફેલાય. આ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ત્રિસ્તરીય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેના થકી તંત્ર સતત હોમકોરેન્ટાઇન લોકો પર નજર રાખી શકે.
આ બાબતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હોમકોરેન્ટાઇનના નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતને હોમકોરેન્ટાઇન વ્યક્તિઓ પર નજર રાખવા તેમજ પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નગરપાલિકા કક્ષાએ વોર્ડવાઇઝ એક સમિતિ બનાવવામાં આવી છે. કોઈ હોમકોરેન્ટાઇન વ્યક્તિ નિયમનો ભંગ ન કરે તેની જવાબદારી આ સમિતિની રહેશે. તેમજ તાલુકા કક્ષાએ પાંચ વ્યક્તિઓની એક સ્ક્વોડ બનાવવામાં આવી છે. જે ગ્રામ્યકક્ષાએ વિઝીટ કરી અને હોમ કોરેન્ટાઇન નો ભંગ કરનાર વ્યક્તિને શોધી કાઢશે.
ઉપરાંત જિલ્લા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત કોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. આ કંટ્રોલરૂમ દ્વારા કોરેન્ટાઇન થયેલા વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ જો હોમ કોરેન્ટાઇનનો ભંગ થતો હોય તો આ સમિતિ દ્વારા મળેલી માહિતી કોલ સેન્ટર દ્વારા તાલુકા કક્ષાએ રચેલી સ્ક્વોડને આપવામાં આવશે.
આ તકે કલેકટરશ્રી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, તમને કોઈપણ સ્થળે હોમકોરેન્ટાઇન વ્યક્તિઓ દ્વારા કોરેન્ટાઇનનો ભંગ થતો માલૂમ થાય તો કન્ટ્રોલ રૂમ પર ૦૨૭૯૨ ૨૨૮૨૧૨ આરોગ્ય વિભાગ ને તેની જાણ કરવી. અને નાગરિકોને ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
~~~~~~~~~~
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756