*જાફરાબાદના સવાઈ બેટમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ*
અમરેલી, તા: ૧૮ જુલાઈ ૨૦૨૦
જાફરાબાદનો સવાઈબેટ એક નિર્જન ટાપુ છે અને અનેક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું તંત્રને જાણવા મળ્યું છે. જેથી દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ સવાઈબેટ પર આવેલી સવાઈપીર દરગાહ ખાતે સવાઈપીર દરગાહ ટ્રસ્ટ દ્વારા અધિકૃત કરેલા લોકો સિવાય અન્ય પ્રવાસીઓના રાત્રી રોકાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અધિકૃત કરેલા અધિકારીઓ દ્વારા અપાયેલા લોકોના પરિવહન માટે પાસ અને રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટ/ ફિશિંગબોટ દ્વારા પ્રવાસીઓને લઇ જવા કે પરત લાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરગાહ ખાતે આવતા શ્રદ્ધાળુઓ કે અન્ય પ્રવાસીઓના ઓળખપત્રની નકલ મેળવી ટ્રસ્ટ દ્વારા નોંધણી કરવા ફરમાવ્યું છે. તેમજ પોલીસ ચેક કરવા જાય ત્યારે તમામ વિગતો ટ્રસ્ટ દ્વારા આપવાની રહેશે.
દરગાહ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓના માલ-સામાન/ચીજવસ્તુનું સઘન ચેકીંગ કરવા ફરમાવ્યું છે. દરગાહ અને આજુબાજુના વિસ્તારમાં અવર-જવરના રસ્તામાં સીસીટીવી કેમેરા લગાડવાની વ્યવસ્થા તેમજ કેમેરાના ફૂટેજ ૩૦ દિવસના સ્ટોરેજની વ્યવસ્થા કરવા દરગાહ ટ્રસ્ટને ફરમાવ્યું છે. અગાઉ આ અંગેનું પ્રાથમિક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ વાંધા/સૂચનો ન મળતા ઉક્ત પ્રતિબંધો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કાયમી અમલમાં રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
