જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*જગતના તાતનો સરકારને સાથ : અમરેલીના ધરતીપુત્રોએ કરી અનોખી પહેલ*
પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત મળતી રકમ રાહતફંડમાં જમા કરાવી
*અમરેલીના પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીએ સહભાગી થવા અપીલ કરી*
અમરેલી જિલ્લા સેવા સહકારી મંડળીએ ૫ લાખ જમા કરાવ્યા
દેવરાજીયા ગામના ૨૬ જેટલા ખેડૂતોએ રૂ. બે-બે હજાર ફંડમાં જમા કરાવ્યા
ઉદાર અમરેલીવાસીઓએ કોરોનાની લડત માટે રૂ. ૩૪.૭૩ લાખ જમા કરાવ્યા
આલેખન : રાધિકા વ્યાસ, સુમિત ગોહિલ
તસ્વીર: મધુસુદન ધડુક
આજે આખું વિશ્વ કોરોનારૂપી ઝંઝાવાત સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડવા આર્થિક સહયોગની પણ આવશ્યકતા છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની એક હાંક પર પ્રત્યેક નાગરિક કોરોનાને હરાવવા યથાશક્તિ આર્થિક યોગદાન આપવા આગળ આવ્યા છે. આવા કપરા સમયે અમરેલી જિલ્લાના ખેડુતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત મળતી સહાયને પ્રધાનમંત્રી રાહતફંડમાં જમા કરાવી દરેક નાગરિકને નવી રાહ ચીંધી છે. આ મુદ્દે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રી દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પણ જિલ્લાના ખેડૂતોને આ મહામારી સામેની લડતમાં સામેલ થવા આર્થિક સહાય સ્વીકારવામાં આવી હતી અને વધુ લોકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ખેડુતોની આવકમાં વધારો કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે રૂ. બે-બે હજારના ત્રણ હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતોને મદદરૂપ થવા સરકાર દ્વારા પ્રથમ હપ્તો વહેલો જમા કરાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હાલ સમગ્ર દેશ કોરોના વાયરસની મહામારી સામે પીડાઈ રહ્યો છે રહ્યો છે, ધંધા-રોજગાર અટકી ગયા છે. કોરોનાવાયરસથી લોકોને બચાવવા સરકારને આર્થિક રીતે મદદરૂપ થવા દેશભરના નાગરિકો આગળ આવ્યા છે.
કહેવાય છે ને કે, ટીપે ટીપે સરોવર ભરાય, તેમ હાલ જ્યારે સરકારની મદદમાં દાનનો દરિયો વહી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના ધરતીપુત્રોએ પણ તેમાં બુંદરૂપ સહાય થકી પોતાનું હિર ઝળકાવ્યું છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીતલા ગામના ખેડૂતોએ પોતાને મળતી સહાયના રૂ. બે-બે હજારના ચેક નેસડી ગામની જિલ્લા બેંકની શાખામાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવી પોતાનો નાગરિક ધર્મ અદા કર્યો છે. આ ઘટનાએ રાજ્યભરના ખેડુતોને એક નવી રાહ ચીંધી છે. યુવા અગ્રણીશ્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, દેવરાજીયા ગામના ૨૬ જેટલા ખેડૂતોએ રૂ. બે-બે હજાર પ્રધાનમંત્રી ફંડમાં જમા કરાવ્યા હતા. આ દેશસેવાના અભૂતપૂર્વ કાર્યમાં રંગપુર, પ્રતાપપરા અને પીપળલગના ખેડૂતો પણ જોડાયા હતા.
અમરેલી જિલ્લાની ઉદાર જનતાએ પણ ૨૨ માર્ચથી લઈને આજ સુધી નાની મોટી સહાય કરી કુલ ૨૮.૭૨ લાખ જેટલી રકમ જિલ્લાના મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવી છે. આ ઉપરાંત રજનીકાંત ગજેરાએ ૧ લાખ જેટલી રકમ પ્રધાનમંત્રી ફંડમાં જમા કરાવી છે. અમરેલી જિલ્લા સેવા સહકારી મંડળી તરફથી આજે રૂ. ૫ લાખ જેટલી રકમ મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવી છે. આમ કુલ મળી અમરેલીવાસીઓએ આ લડતમાં રૂ. ૩૪,૭૩,૫૧૯/- જમા કરાવ્યા છે.
ભારત દેશ એકતાનું પ્રતીક છે. આજે જ્યારે દેશ સંકટમાં છે ત્યારે તેને મદદરૂપ થવા તમામ નાગરિકો યથાશક્તિ યોગદાન આપી પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવી રહ્યા છે અને સાચા અર્થમાં વિશ્વભરના લોકોને ભારતની એકતા અને અખંડિતતાના દર્શન કરાવી રહ્યા છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)