‘પ્રેસ ડે’ના ઉપક્રમે માહિતી કચેરી અમરેલી અને પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે વેબિનાર યોજાયો
કોરોના કાળમાં પત્રકારમિત્રો પણ આપણા ફ્રન્ટ લાઈન વોરિયર્સ છે : જાણીતા લેખક શ્રી જય વસાવડા
જવાબદારી, જાણકારી, જીજ્ઞાસા, જહેમત અને જનૂનના પાંચ ’જ’ મંત્રને ધ્યાનમાં રાખવાથી અખબારી લેખનની ગહનતા અને વાંચન વિશાળતા વધશે : પ્રેસ અકાદમીના સચિવશ્રી પુલકભાઇ ત્રિવેદી
‘કોવિડ કાળમાં મીડિયાની ભૂમિકા અને મીડિયા પર તેની અસરો’ વિષય ઉપર રસપ્રદ વાર્તાલાપ યોજાયો
અમરેલી, તા. ૨૪ નવેમ્બર ૨૦૨૦
‘પ્રેસ ડે’ના ઉપક્રમે જિલ્લા માહિતી કચેરી અમરેલી અને પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘કોવિડ કાળમાં મીડિયાની ભૂમિકા અને મીડિયા પર તેની અસરો’ પર તજજ્ઞ વક્તાઓ દ્વારા રસપ્રદ વાર્તાલાપ આ વેબિનારમાં કરવામાં આવ્યો હતો.
વર્ષ ૧૯૬૬માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તેની સ્થાપનાના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ ‘પ્રેસ ડે’ નું આયોજન દેશભરમાં કરવામાં આવે છે. પ્રતિવર્ષ સેમિનારનું આયોજન કોઈ હોલ કે જાહેર જગ્યા પર પત્રકાર કે પત્રકારત્વના વિદ્યાર્થીઓને એક જગ્યા પર એકત્ર કરીને કરવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાય તથા એકસાથે વધુ લોકોને સાંકળી શકાય તેવા ઉદ્દેશથી ટેક્નોલોજીના સમન્વયથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાણીતા લેખક શ્રી જય વસાવડાએ જણાવ્યું હતું કે સંઘર્ષની વચ્ચે જે લોકો પોતાના મૂલ્યો નથી છોડતા એવા લોકોને દુનિયા હંમેશા યાદ કરે છે. પત્રકારોએ પણ લોકોને સાચી માહિતી પહોંચાડવા ઝઝૂમવું પડ્યું છે એટલે પત્રકારમિત્રો પણ આપણા ફ્રન્ટ લાઈન વોરિયર્સ છે. લોકો માટે પળેપળની ખબર મેળવી, એને વેરીફાય કરી અને લોકો સુધી પહોંચાડવી એ ખૂબ અઘરું કાર્ય છે પરંતુ એ તમામ પત્રકારમિત્રો બખૂબી કરી રહ્યા છે એ બદલ એમને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં એમણે જણાવ્યું હતું કે કોરોના ગંભીર છે, તેના કરતા લોકોની બેજવાબદારી કે બેજવાબદારીપૂર્વકનું વલણ વધુ જવાબદાર છે. આવા વલણોને સુધારવાનું કે તેની કે તેને સકારાત્મક દિશામાં વાળવાનું કામ મીડિયા બખૂબી કરી શકે છે. લોકો પાસે સંસાધનોની માહિતી પહોંચે તો લોકોની માનસિક તાણમાં પણ ઘટાડો થશે. વધુમાં તેમણે કહ્યું કે,
વધુમાં શ્રી જય વસાવડાએ જણાવ્યું હતું કે કોરોનાના કાળમાં માહિતી ખાતા તરફથી કોરોના તથા કોરોનાની કાળજી માટે અઢળક સ્ટોરી થઈ છે. મીડિયાએ પણ તેના આધારે અનેક સ્ટોરી આગળ ધપાવી છે. સારી સ્ટોરીને લોકો રસપૂર્વક વાંચે છે અને તેની લોકો પર અસર હોય છે. તેમણે બદલાઈ રહેલી તરાહ તથા વિદેશમાં તેના પર થઈ રહેલા સંસાધનોનો આપણાં દેશમાં કેવી રીતે સાયુજ્ય સાધીને ઉપયોગ થઇ શકે તે પ્રકારના સંશોધનાત્મક લેખોની અનિવાર્યતા તથા અગત્યતા વ્યક્ત કરી હતી. વધુમાં શ્રી જય વસાવડાએ તમામ પ્રચાર પ્રસાર માધ્યમોની હકારાત્મકતા, નકારાત્મકતા, વલણ વિશેની વિશદ ચર્ચા કરી માધ્યમોને માહિતીથી ભરી દેવા કરતા વિઝ્યુઅલ ઈફેક્ટથી વધુ સરળતાથી સમજૂત કરી શકાય છે તેની ઉપયોગીતા વર્ણવી હતી.
પ્રેસ અકાદમી, ગાંધીનગરના સચિવશ્રી અને માહિતી ખાતાના અધિક માહિતી નિયામકશ્રી પુલકભાઈ ત્રિવેદીએ ‘પ્રેસ ડે’ ની શુભકામના પાઠવતા વેબનારની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, ‘પ્રેસ ડે’ ની ઉજવણી પ્રેસની આઝાદી અને પ્રેસના ઉત્તરદાયિત્વને પ્રતિધ્વનિત કરે છે.
તેમણે કહ્યું કે, કોરોનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે, તેનાથી મીડિયા પણ બાકાત નથી. મીડિયા સમાજને જાગૃત કરવાનું સશક્ત અને સબળ માધ્યમ છે, ત્યારે કોરોનાના આ સમયમાં મીડિયાની જવાબદારી વિશેષ વધી જાય છે.
જવાબદારીપૂર્વકના અખબારી લેખન વખતે જો જવાબદારી, જાણકારી, જીજ્ઞાશા, જહેમત અને જનૂનનું ધ્યાન રાખવામાં આવે તો લખાણની ગહનતા અને ઊંડાણ વધવા સાથે વાંચનની વિશાળતા પણ ચોક્કસ વધી જાય છે તેમ પાંચ ‘જ’ નો મંત્ર આપતા તેમણે કહ્યું કે, પત્રકાર તરીકે સામાન્ય માણસ કરતા વધુ સજ્જતા, સમાજ માટેની સંવેદનશીલતા, ખંતથી મહેનત સાથેની વિશ્લેષણયુક્ત માહિતીથી લોકોને વધુ જાગૃત કરવા માટે પત્રકારોની કોરોનાના આ સમયગાળામાં ખૂબ જરૂર છે. તેમણે ઉમેર્યું કે, કોરોના થાય તો શું કરવું? તેની સારવાર ક્યાં થઈ શકશે? વગેરે પ્રશ્નો વિશેની સ્ત્રોત સાથેની માહિતી સમાજ સમસ્ત સુધી પહોંચે તે માટે આધારભૂત માહિતી, જરૂરી ડેટા, સંદર્ભ અને ચાર્ટ સાથેની માહિતી સમાજને મળે તો તે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ સમયગાળામાં પત્રકારત્વ જગત સાથે માહિતી ખાતાના કર્મયોગીઓએ પણ પોતાની જાતની પરવા કર્યા સિવાય જે કામથી કર્મયોગ કર્યો છે કે તેની તેમણે સરાહના કરી હતી.
આ વેબિનારમાં અમરેલી જિલ્લા માહિતી કચેરીના સુશ્રી સોનલબેન જોશીપુરા, સુમિત ગોહીલ તેમજ અમરેલી જિલ્લાના પત્રકારશ્રીઓ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ તથા માહિતી ખાતાના અધિકારીઓ- કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)




