અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૧૦ શંકાસ્પદ કેસ સહીત ૧૮૨ કેસ નોંધાયા : ૧ રિપોર્ટ પોઝિટિવ, ૧૭૪ નેગેટિવ, ૮ રિપોર્ટ પેન્ડિંગ
૨૦ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૯૯ હજારથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ
જિલ્લાની ૧૪૪૧ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ
અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, ત્યારે અમરેલી જિલ્લામાં તા: 12ના સુરતથી આવેલા એક 67 વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે કોવિડ-૧૯ના શંકાસ્પદ ૧૦ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૮૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૧૭૪ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક પોઝિટિવ તેમજ ૮ રિપોર્ટ પેન્ડિંગ છે.
તા. ૧૨ના રોજ સુરતથી આવેલા વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બસના તમામ ૪ ગામ ટીંબલા, ગાવડકા, ફતેપુર અને સણોસરા ગામના અન્ય ૨૭ મુસાફરોને અમરેલી ખાતે જ સરકારી ફેસિલિટીમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ ૪૨ લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે. આ ચારેય ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરી ડિઝાઇન્ફેક્શનની કામગીરી પણ કરવામાં આવી છે. આ ચારેય ગામની જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી સહિતના વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. અધિકારીશ્રીઓ દ્વારા ગામના લોકોને બીનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
જિલ્લામાં આજરોજ ચેકપોસ્ટ પર ૭૩૩ વાહનોનું ચેકીંગ કરાયું, જ્યારે ૧૩૫૨૩ મુસાફરો જિલ્લા/રાજ્ય બહારના હતા. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૯૮ પ્રવાસીઓ અને હાલ ૩૦ લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યક્તિઓ ૨૦૨૨ પૈકી ૧૭૬૯ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૨૫૩ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૨૦ હજારથી વધુ ઘરના કુલ ૯૯ હજારથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૧૦ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે. હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ કરવા બદલ આજ સુધીમાં કુલ ૨૦ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.
લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના ૭૩૧ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૧૩૩૧ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૫૫૮ જગ્યાઓમાં કોરોનાની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૭૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૨ ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે. ઉપરાંત ૧૪૪૧ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.