અમરેલીમાં લોકડાઉનના ૫૦ દિવસ પછી નોંધાયેલ પ્રથમ ૨ દર્દીઓ થયાં કોરોનામુક્ત
ડોક્ટર્સની મહેનત અને દર્દીઓના મનોબળે કોરોનાને પછાડ્યો
સુરતથી આવેલા ૬૭ વર્ષીય વૃદ્ધા તેમજ બગસરાના ૧૧ વર્ષીય કિશોરે અંતે મેળવી કોરોના સામે જીત
અમરેલી, તા: ૨૭ મે
અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે ૫૦ દિવસ બાદ તા. ૧૩ મે ના રોજ સૌપ્રથમ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. સુરતથી આવેલી એસ.ટી.બસમાં ૬૭ વર્ષીય વૃદ્ધાને ચાવંડ ચેકપોસ્ટ ખાતે ચેક કરવામાં આવતા તાવ-શરદી જેવા લક્ષણો જણાતાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. અને ત્યારબાદ એમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો. ઉપરાંત મૂળ બગસરાના અને સુરતથી બસમાં અમરેલી આવેલા કિશોરનો રિપોર્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેની પણ સિવિલ ખાતે સારવાર શરૂ હતી. આ બન્ને દર્દીઓ હાલ કોરોનાને મહાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઇ ચૂક્યા છે તેમજ આજરોજ તેમને સિવિલમાંથી રજા પણ આપવામાં આવી છે.
આ વૃદ્ધા તેમજ કિશોરએ સિવિલ ખાતે સતત કોરોના સામે જંગ ખેલી અને અંતે જીત હાંસિલ કરી છે. આ દિવસો દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે તેમને નિષ્ણાંત ડોકટર્સ દ્વારા કોરોનાને લગતી ઉત્તમ સારવાર આવી હતી. ડોકટર્સની મહેનત અને આ દર્દીઓના મનોબળને કારણે અંતે તેમણે કોરોનાને હરાવ્યો છે. અને તેમને સિવિલમાંથી રજા આપવામાં આવતા તમામ આરોગ્યકર્મીઓ તેમજ દર્દીઓના ચહેરા પર ખુશીઓ છવાઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે આ દર્દીઓને શુભેચ્છાઓ સહ વિદાય આપી હતી.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756




