*અમરેલી ક્લેક્ટરશ્રીનો નવતર પ્રયોગ*
*કલેક્ટરશ્રીની ચેમ્બરને અડીને જ મોનીટરીંગ સેલ કાર્યરત*
*કોરોનાગ્રસ્ત દર્દીઓની દેખરેખ અને વ્યવસ્થા માટે કોવિડ હોસ્પિટલના કેમેરા નજર રાખે છે*
*ડિજિટલાઇઝેશન અને મેનેજમેન્ટનો ઉત્તમ સમન્વય*
*બેદરકારી રાખતા દર્દી કે સ્ટાફને તાત્કાલિક ફોન કરી અપાય છે સૂચના*
*વોર્ડ/ બેડ વાઈઝ દર્દીઓની ફોન નંબર સહિતની યાદી પ્રમાણે ફોન કરાય છે*
*સ્વચ્છતા, સેનિટાઇઝેશન અને અન્ય સુવિધા અંગે ભાળ મેળવે છે*
*હોમ આઇસોલેટ/ ક્વોરેન્ટાઇન કરેલા લોકોને વિડીયો કોલ કરી દેખરેખ રખાય છે*
*આલેખન: સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી*
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક દ્વારા પોતાની ચેમ્બરને અડીને જ કોરોનાગ્રસ્ત દર્દીઓની દેખરેખ માટે એક મોનીટરીંગ સેલ ઉભો કરવામાં આવ્યો છે. આ સેલ દ્વારા અમરેલીની કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલમાં રાખેલા કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવે છે તેમજ સ્વચ્છતા, સેનિટાઇઝેશન અને અન્ય સુવિધા અંગે ભાળ મેળવવામાં આવે છે.
આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક જણાવે છે કે રાધિકા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલા અંદાજે ૫૦ જેટલા સીસીટીવી કેમેરાના દ્રશ્યો બાજુના રૂમમાં પ્રોજેક્ટર દ્વારા મોટી સ્ક્રીન ઉપર જોવામાં આવે છે. અને એકે-એક વોર્ડ/ બેડ ઉપર દેખરેખ રાખવામાં આવે છે. દરેક વોર્ડ/ બેડના દર્દીના ફોન નંબરની યાદી પણ મેળવવામાં આવી છે. જો કોઈ દર્દી માસ્ક વગર દેખાય કે કોઈ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બેદરકારી રાખવામાં આવે કે સાફ-સફાઈ/ સેનિટાઇઝેશન કરવામાં ઉણપ જણાય તો તાત્કાલિક જે તે સ્ટાફ મિત્રને કે દર્દીને તાત્કાલિક ફોન કરી જણાવવામાં આવે છે. આ ઉપરાંત મોનીટરીંગ સેલની સાથે જિલ્લાના સાવરકુંડલા અને રાજુલાની કોવિડ હોસ્પિટલને પણ જોડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર જણાવે છે કે સીસીટીવી કેમેરા મારફતે દેખરેખની સાથે સાથે ડિસ્ચાર્જ થઈને ઘરે થયેલા લોકો તેમજ હોમ આઇસોલેટ/ ક્વોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓને વિડીયો કોલ કરીને બીજા ઘરના સભ્યોથી દૂર રહેવા તેમજ અન્ય જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. આજે મેં પોતે જ વિડીયો કોલના માધ્યમથી દર્દીઓ સાથે વાત કરી ખબર અંતર પૂછ્યા હતા.
આ સમગ્ર કોવિડ મોનીટરીંગ સેલનું સંચાલન કરતા મામલતદાર શ્રી બિરજુ પંડ્યા અને નાયબ મામલતદાર શ્રી હિરેન મકાણીએ જણાવ્યું હતું કે આજે અમરેલી જિલ્લામાં કુલ ૧૧૩૩ જેટલા કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી ૨૬૩ જેટલા હાલ સારવાર હેઠળ છે અને ૮૪૫ જેટલા ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. એવામાં કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રણમાં લેવા આજે વહીવટી તંત્ર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે જેની સાથે સાથે આ મોનીટરીંગ સેલ દ્વારા આ પ્રયત્નોનું પરિણામ ચકાસી શકાય છે. સ્ટાફ કે દર્દીને ફોન કરીને કોઈ ક્ષતિ અંગે જાણ કરતા જે તે સૂચન પર તાત્કાલિક અમલવારી તો થાય જ છે અને બીજી વાર તકેદારી પણ રાખવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ અતિઆવશ્યક છે. આજના ડિજિટલ યુગમાં હોસ્પિટલમાં સીસીટીવી કેમેરાની સાથે સાથે મોટાભાગના વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન હોવાથી આવી રીતે દેખરેખ રાખવું સરળ રહે છે. આમ વહીવટીતંત્રએ સીસીટીવી અને સ્માર્ટફોનના હથિયારને પોતાનું ત્રીજું નેત્ર બનાવ્યું છે. આ નેત્ર તમામ લોકો પર ચાંપતી નજર રાખશે.