અમરેલી જિલ્લાનું
બગસરાના ૧૧ વર્ષીય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ : જિલ્લામાં કુલ બે પોઝિટિવ કેસ
સુરતથી બસમાં આવેલા કિશોરના માતા-પિતા સહીતના ૨૬ જેટલા સહ-પ્રવાસીઓને કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી શરુ
બગસરામાં દર્દીના રહેઠાણની ૨૦૦ મીટરની ત્રિજ્યાનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર
કન્ટેનમેન્ટ ઝોનમાં ૨૯૪ ઘરોના ૧૫૦૦ થી વધુ લોકોનો સમાવેશ
તંત્ર આ વિસ્તારના રહીશોને આવશ્યક ચીજવસ્તુઓ ઘરે-ઘરે પહોંચાડશે
અવર જવર માટે એક સિવાય તમામ રસ્તા ૨૧ દિવસ માટે બંધ : એન્ટ્રી-એક્ઝિટ પર થર્મલ સ્ક્રીનિંગ ફરજીયાત
બગસરા નગરપાલિકા વિસ્તાર બફર ઝોન તરીકે જાહેર
અમરેલી, તા. ૧૭/૦૫/૨૦૨૦
આજરોજ સુરતથી અમરેલીના બગસરા ખાતે આવેલા ૧૧ વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા બગસરામાં પોઝિટિવ દર્દીના રહેણાંક વિસ્તારની મુલાકાત લઇ આ વિસ્તારને કંટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત તે કિશોરના સંપર્કમાં આવનારા તમામ લોકોને કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
કિશોરના રહેણાંક આસપાસના ૧૦૦ મિટરના વિસ્તારમાં અતિ આવશ્યક સેવાઓ સિવાય તમામ પ્રકારની સેવાઓ બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર કલેકટરશ્રી દ્વારા બગસરા શહેરમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર બગસરા શહેરના સી.એચ.સી. થી ગોંડલીયા શેરી વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તાર ને કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અહીં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવે અને અહીંના રહેવાસીઓને વગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા ઘરે પહોંચાડવામાં આવશે.
કલેકટરશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કન્ટેનમેન્ટ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે આ વિસ્તારમાં સવારે સાત થી અગિયાર સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલી રહેશે. આ વિસ્તારમાં આવેલા એસ.જી. કામળીયા હોસ્પિટલમાં આકસ્મિક પરિસ્થિતિમાં જવા માટે ડોક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલા અપોઈન્ટમેન્ટ લેટર બતાવો રહેશે જે અંગેની નોંધ એન્ટ્રી પોઇન્ટ ખાતેના રજીસ્ટર માં કરવાની રહેશે. ઉપરાંત તમામ વિસ્તારને ડિઝાઇન્ફેકટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ડોડીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવતાં બગસરા નગરપાલિકા દ્વારા કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, આ સિવાય આ વિસ્તારમાં આવેલા ૨૯૪ ઘરને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
બગસરા શહેરના ઉપર મુજબ જાહેર કરેલ વિસ્તાર સિવાયના નગરપાલિકા વિસ્તાર બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
- જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756