આરોગ્ય વિભાગ દ્વારા અમરેલીની ૯૧૨ સરકારી-ખાનગી કચેરીઓ સેનિટાઇઝ કરાઈ
કલેક્ટર કચેરી, હોસ્પિટલ વિસ્તારમાં વારંવાર સેનિટાઈઝેશન કરાય છે
તા. ૨૩, એપ્રિલ
હાલ કોરોનાએ વિશ્વને ભરડામાં લીધું છે. કોવિડ-૧૯ના પ્રકોપથી દેશ અને દુનિયાને બચાવવા સરકારના વિવિધ વિભાગો દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના માર્ગદર્શક સૂચનોની અમલવારી કરાવવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી નાગરિકોને રક્ષિત કરવાં સાબુ તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે નિયમાનુસાર કાર્યરત કર્મચારીઓના આરોગ્યની જાળવણી અન્વયે સરકારી તેમજ ખાનગી કચેરીઓને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. તેમજ લોકોનો ધસારો વધુ હોય તેવી કચેરીઓને વારંવાર સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા અમરેલીની ૯૧૨ સરકારી-ખાનગી કચેરીઓ સેનિટાઇઝ કરાઈ છે.
આરોગ્ય વિભાગના અધિકારી ડો. એ.કે. સિંઘે જણાવ્યું હતું કે, જિલ્લાની કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, હોસ્પિટલ કે જ્યાં લાભાર્થીઓ કે પછી જાહેર જનતાનો વધુ પડતો ધસારો હોય ત્યાં વારંવાર સેનિટાઇઝ કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટરના મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર પી. આર. ખેર દ્વારા સેનિટાઇઝિંગની કામગીરી સમગ્ર કચેરીઓમાં સુચારુ રીતે થઈ રહી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756