ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ગતરાત્રે પ્રેમ પ્રકરણમાં પતિ દ્વારા પત્ની તથા તેના પ્રેમી પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ભાયાવદર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે આશરે ૯ વર્ષ પહેલાં મનસુખ વિરમગામા સાથે પ્રેમ લગ્ન કરીને રહેતી માધુરીને બે સંતાનો હોવાનુ પણ જાણવા મળ્યું છે. મનસુખ વિરમગામાને પોતાની પત્ની માધુરી ઉપર ઘણા સમયથી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણની શંકા હોય જેના કારણે બન્ને પતિ-પત્ની ને અવાર નવાર ઝગડા થતા રહેતા હતાં. આ ઝગડાથી કંટાળીને બન્નેએ અંદાજીત ૨ મહિના પહેલા સ્વેછિક છૂટાછેડા પણ લીધા હોવાનું જાણવા મળેલ છે. આ છૂટાછેડા થય ગયાના અઠવાડિયા બાદ ફરીથી માધુરીએ પોતાના માતા – પિતા અને ભાઈની ઈચ્છા વિરૂધ્ધ ફરીથી તેના પૂર્વ પતિ મનસુખ વિરમગામા સાથે રહેવા લાગી હતી. પરંતુ ગત રાત્રે મનસુખને પોતાની પત્ની માધુરી સાથે ઝગડો થતાં પત્ની માધુરીએ પોતાના પ્રેમી સંજય પરમારને ફોન કરીને જાણ કરી હતી કે હું ફૂલઝર ડેમમાં આત્મહત્યા કરવા માટે જાવ છું.તેવું કહેતા તેનો પ્રેમી સંજય પરમાર પોતાની પ્રેમિકા માધુરીને સમજાવવા માટે તેની પાછળ ગયેલ ત્યારે ડેમ રસ્તે નાલા પાસે બન્ને જણા ભેગા થઈ જતાં નાલા નીચે સમજાવવા માટે ગયેલ તે દરમિયાન માધુરીનો પતિ મનસુખ ત્યાં આવી પહોંચતા મનસુખે આવેશ આવીને પોતાની પત્ની માધુરી અને તેના પ્રમી સંજય પર ત્રણ ત્રણ છરી ના ઘા મારીને ભાગી ગયો હતો. આ બન્ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ઉપલટાની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.પરંતુ માધુરીને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.જયારે સંજય પરમારને ઉપલેટા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ભાયાવદરના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.કે. ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારબાદ બન્ને ઈજાગ્રસ્તોના નિવેદન લેવા માટે ભાયાવદર પોલીસ ઉપલેટા આવી હતી અને આ ઘટનાની વધુ તપાસ ભાયાવદર પી.એસ.આઈ. આર.કે ચાવડા દ્વારા ચલાવવામાં આવી રહી છે.
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા