Uncategorized

ગ્રીન ઝોન અમરેલી જિલ્લામાં બહારથી પ્રવેશતા લોકોનું સઘન ચેકીંગ

ગ્રીન ઝોન અમરેલી જિલ્લામાં બહારથી પ્રવેશતા લોકોનું સઘન ચેકીંગ

બપોરના ૩ વાગ્યા સુધીમાં આશરે ૨૦૦૦ જેટલાં લોકો નું ચેકિંગ કરવામાં આવ્યું : કલેકટરશ્રી

આરોગ્ય, પોલીસ અને વહીવટી તંત્ર ખડેપગે

ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનીંગ કરાયા બાદ જ અમરેલીમાં એન્ટ્રી

મુસાફરોને તડકામાં હેરાન ન થવું પડે તે માટે ચાવંડ નજીક ખાનગી હોટેલમાં ટેમ્પરરી વ્યવસ્થા

અમરેલી, તા: ૭ મે

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં અંશતઃ છૂટછાટ આપવામાં આવી છે. જેના અન્વયે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લામાં ફસાયેલા લોકોને ત્યાંથી વતનમાં પરત ફરવાની મંજૂરી આપવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં બહારના જિલ્લામાંથી આવતા લોકોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર ખડેપગે કાર્યરત છે.

જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર સિવાય અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી અમરેલી જિલ્લાના વતની હોય જેઓ અમરેલી જિલ્લામાં આવવા માંગતા હોય તેવા મુસાફરોને આવવા માટે લાઠી તાલુકાના ચાવંડ ચેકપોસ્ટ પરથી જ ચકાસણી કરાવીને જિલ્લામાં પ્રવેશવાનું રહેશે. તેથી આ સમયે જિલ્લામાં પ્રવેશતા લોકોનું ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનીંગ કરાયા બાદ જ તેમને અમરેલી જિલ્લામાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર અમરેલી જિલ્લામાં જ આજદિન સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી અમરેલી જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કારણોસર જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે દરેક વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જિલ્લામાં પ્રવેશતાં દરેક લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.

બહારના અન્ય જિલ્લામાંથી પાસ/પરવાનગી લઈ આવતા મુસાફરો વાહનોને અમરેલી જિલ્લામાં પ્રવેશતા પૂર્વે આરોગ્ય તપાસ સમયે જ્યારે એક બસનું ચેકિંગ થતું હોય ત્યારે બીજી બસના પેસેન્જરોને એક ખાનગી હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને તડકામાં હેરાન ન થવું પડે માટે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે એક બસનું સંપૂર્ણ ચેકીંગ પૂર્ણ થઈ જાય ત્યારબાદ અહીં રોકાયેલી બસના મુસાફરોને ચાવંડ ખાતે બોલાવી તેમનું ચેકીંગ કરવામાં આવે છે.

ઉપરાંત બહારના જિલ્લામાંથી આવતા વાહનો/મુસાફરોને અન્ય જિલ્લા જેવા કે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર વગેરે જિલ્લામાં જવા માટે અમરેલી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા માટે તેમજ અન્ય રૂટ પરથી પસાર નહીં થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ અને ગુજરાત સાઈડના જિલ્લામાંથી પાસ/પરવાનગી મેળવી આવતા વાહનો મુસાફરોને અન્ય જિલ્લામાં જવા માટે વાયા ઢસા થી જીવાય સતાધાર ચેકપોસ્ટથી એન્ટ્રી કરી ચાવંડ, બાબરા, કોટડાપીઠા ચેકપોસ્ટ થઈ જવાનું રહેશે. હુકમના ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની મંજૂરી બાદ સુરતથી અમરેલી ખાતે આવતી બસના મુસાફરોનું મેડિકલ ચેકીંગ તેમજ પાસનું ચેકિંગ માટે ખાસ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. બપોરના ૩ વાગ્યા સુધીમાં આશરે ૨૦૦૦ જેટલાં લોકો નું ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારબાદ તેમને તાલુકા કક્ષાના કોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે જ્યાં તેમની વધુ તપાસ થશે અને ત્યારબાદ એ નક્કી કરવામાં આવશે કે તેમને ૧૪ દિવસ માટે કોરેન્ટાઇન કરવા કે હોમ કોરેન્ટાઇન કરવા. અમરેલી જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઓડ-ઇવન પધ્ધતિથી દુકાનો ખોલી વ્યાપારી મંડળ તરફથી ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ સરપંચો દ્વારા પણ કોઈ નવા વ્યક્તિ ગામમાં દાખલ થાય તો તેની જાણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લા પ્રશાસને જિલ્લાવાસીઓ નો સારો સહકાર પ્રાપ્ત થયો છે.

નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ. એસ. રાણાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક ધોરણે બે ચેકપોસ્ટ ઉભી કરેલી છે. જેમાં સતાધાર ખાતે તેમની પરમીટ ચેક કરવામાં આવે છે, તેમના પરમીટ પર રહેલા બારકોડ સ્ટીકરને મોબાઇલ એપ્લિકેશન દ્વારા સ્કેન કરતા કેટલાં વ્યક્તિઓ છે, કોણ કોણ છે એ સમ્પૂર્ણ વિગત અમને મળી જાય છે. ચાવંડ ખાતે તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં આશરે ૩૦૦ જેટલી ગાડીઓનું ચેકીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત બે ગાડી ડુપ્લિકેટ પરમીટ લઈ જિલ્લામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ચેકપોસ્ટ પર પકડાતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાવાસીઓના સાથ-સહકાર થકી અમરેલી જિલ્લાને કોરોનામુક્ત રાખવા સફળ રહ્યા છે. પરંતુ ખરી પરીક્ષા હવે છે. આ સમયે જિલ્લાવાસી તરીકેની ફરજ બજાવીએ, ઘરે જ રહીયે સુરક્ષિત રહીયે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200507-WA0060-2.jpg IMG-20200507-WA0059-1.jpg IMG-20200507-WA0032-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *